Mysamachar.in-જામનગર:
જામનગરમાં દારુ બાદ અન્ય માદક દ્રવ્યો ઝડપાઈ જવાનો સીલસીલો યથાવત હોય તેમ લાગી રહ્યું છે. જામનગર એસઓજીએ તાજેતરમાં જ એક શખ્સને એમડી ડ્રગ્ઝના જથ્થા સાથે ઝડપી પાડ્યા બાદ અન્ય એક રેઇડમાં લાલપુર તાલુકાના મેઘપર ગામે ભાડે મકાન રાખીને રહેતા શખસ ગાંજો વેચાણ કરતો હોવાની બાતમી પરથી એસઓજીએ બાતમીવાળા રહેણાંક મકાને દરોડો પાડી બે કિલો ગાંજા સહિતના મુદ્દામાલ સાથે એક શખ્સને ઝડપી પાડ્યો છે.
જામનગર જીલ્લાના લાલપુર તાલુકાના મેઘપર ગામે યાદવ હોટલ પાસે કલ્પેશભાઈના મકાન ભાડે રાખીને રહેતા પ્રેમચંદ્ર બ્રિજનાથ ચૌહાણ નામનો શખસ પોતાના ઘરમાં માદક પદાર્થ રાખી વેચાણ કરી રહ્યો છે તેવી બાતમી એસઓજીને મળતા તેમણે ટીમ સાથે તેના મકાનમાં રેઈડ કરતા તેના ઘરમાંથી બે કિલો ગાંજો રૂા.20 હજારની કિંમતનો તથા અન્ય મુદ્દામાલ મળી કુલ રૂા.1,92,500નો મુદ્દામાલ મળી આવતા તેની એનડીપીએસ એક્ટ મુજબ ધરપકડ કરી ગુનો દાખલ કરવામાં આવ્યો છે.આ શખ્સ ક્યાંથી ગાંજો લાવ્યો અને કેટલા સમયથી આ ભાડાના મકાન પરથી વેચાણ કરતો હતો તે અંગે વિશેષ છાનબીન કરવામાં આવી રહી છે.