Mysamachar.in-અમદાવાદ:
વધુ એક સાઈબર ક્રાઈમની ઘટના સામે આવી છે જે ચોકાવનારી છે, અને આ વખતે ઓનલાઈન ઠગ ટોળકીએ એક નવી મોડસ ઓપરેન્ડીથી લોકોના પૈસા પડાવી ઠગાઈ કર્યાનું સામે આવ્યું છે, અમદાવાદના સેટેલાઈટમાં રહેતા અને કેમીકલનો હોલસેલનો વેપાર કરતા રાકેશ શાહ ઘરે હાજર હતા ત્યારે એક અજાણ્યા નંબર પરથી મોબાઈલમાં એક મિસકોલ આવ્યો હતો અને બાદમાં રાકેશભાઈના મોબાઈલના ટાવર અનરીચેબલ તથા સીમ ડી-એક્ટિવ થઈ ગયા હતા. જેથી તેમણે સીમકાર્ડ કંપનીમાં ફોન કરીને સીમકાર્ડ એક્ટિવ કરાવ્યા હતા. જોકે ફરી એક વખત બીજા અજાણ્યા નંબર પરથી મિસકોલ આવ્યો હતો અને બંન્ને સીમકાર્ડ ડી-એક્ટિવ થઈ ગયા હતા. જેથી રાકેશભાઈએ ફરીથી સીમ એક્ટિવ કરાવ્યા હતા. બાદમાં તપાસ કરતા કોલકાતા ખાતેથી સીમકાર્ડ બંધ કરાવ્યા હોવાનું જાણવા મળ્યું હતું.
જોકે બીજા દિવસે કામ અર્થે બેંકમાં ગયા ત્યારે તેમના બેંકના એકાઉન્ટમાંથી પૈસા કપાઈ ગયા હોવાનું જાણવા મળ્યું હતું. જેથી તેમણે બેંકમાં તપાસ કરી ત્યારે તેમના ત્રણ એકાઉન્ટમાંથી અલગ અલગ ટ્રાન્જેક્શન કરીને કુલ રૂ.46.36 લાખ કપાઈ ગયા હોવાનું સામે આવ્યું હતુ. જેથી પોતાની સાથે ઠગાઈ અને વિશ્વાસઘાત થયો હોવાનું જાણવા મળતા રાકેશભાઈએ સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં અજાણ્યા શખ્સોના વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવતા સાઈબર ક્રાઈમ વિવિધ પાસાઓ પર તપાસ કરી રહી છે.