Mysamachar.in-અમદાવાદ
થોડા દિવસો પૂર્વે સમગ્ર રાજ્યના માધ્યમોમાં ચમકેલી માત્ર એક દિવસ માટે અમદાવાદ જિલ્લાની કલેક્ટર બનેલ 11 વર્ષની ફ્લોરાનું નિધન થયું છે. 7 મહિના પહેલા બ્રેઇન ટ્યુમરની બીમારી આ દીકરીને થઈ હતી. જે બાદ તેની સારવાર ચાલી રહી હતી. જો કે તેની ઈચ્છા IAS અધિકારી બનવાની હતી. પણ બીમારીના કારણે તે ઈચ્છા પૂરી થવી શક્ય ન હોવાથી, તેની ઇચ્છાને માન આપવા માટે અમદાવાદ કલેક્ટરે 18 સપ્ટેમ્બરે એક દિવસના કલેક્ટર તરીકે ચાર્જ સોંપ્યો હતો અને તેની ઈચ્છા પૂરી કરી હતી.ફ્લોરાના નિધન અંગે અમદાવાદ જિલ્લાના કલેક્ટર સંદીપ સાંગલે ટ્વીટર પર જાણકારી આપી શ્રદ્ધાંજલિ પણ પાઠવી છે. કલેક્ટરે ટ્વીટર પર બહાદુર દીકરી ફ્લોરા આસોડિયાના નિધનથી ખૂબ જ દુખ વ્યક્ત કર્યું છે. સાથે સાથે તેના પરિવારજનો સાંત્વના પાઠવી છે.
સામાન્ય વ્યક્તિની જેમ હલનચલન કે બોલી શકતી ન હતી. ફ્લોરા નાનપણથી જ અભ્યાસમાં ખૂબ જ હોશિયાર હતી. તેને કલેક્ટર બનવાની ઈચ્છા હતી પરંતુ બ્રેઇન ટ્યુમરના કારણે તેની ઈચ્છા પૂરી થવી, એ મોટો પડકાર હતો. જોકે તેના માતા-પિતાએ એક NGOનો સંપર્ક કર્યો, જેમના મારફતે આ વાત અમદાવાદ જિલ્લા કલેક્ટર સુધી પહોંચી અને ફ્લોરાને એક દિવસ માટે કલેક્ટર બનાવવાનું નક્કી કરવામાં આવ્યું હતું. ફ્લોરા જ્યારે કલેક્ટર તરીકે કચેરીએ પહોંચી હતી ત્યારે તેનું ઉમળકાભેર સ્વાગત કરવામાં આવ્યું હતું. કલેક્ટર તરીકેનો ચાર્જ સંભાળ્યા બાદ ફ્લોરાએ વિધવા બહેનોને સહાય, વ્હાલી દીકરી યોજનાના, વગેરેના પ્રમાણપત્ર લાભાર્થીઓને આપ્યા હતા. કલેક્ટર કચેરી ખાતે કલેક્ટરની હાજરીમાં કેક કાપીને તેના જન્મ દિવસની એડવાન્સમાં ઉજવણી પણ કરવામાં આવી હતી.