Mysamachar.in-જામનગર:
આપણા સમાજમાં જે અબળાનું કોઇ નથી તેની વહારે 181 અભયમ્ ટીમ હરહંમેશ હોય છે, જે રાજ્યના કોઇ પણ ખૂણે રહેલી મહિલા માટે અભયકવચની ગરજ સારે છે. 181 અભયમ્ ટીમની કામગીરીનો વધુ એક પરિચય તાજેતરમાં જ જોવા મળ્યો, જેમાં સગાઓના ત્રાસથી કંટાળીને ઘર છોડીને ભાગેલી એક પરપ્રાંતીય દિકરીની સમજાવટ કરીને અભયમ ટીમે તેને જામનગર વિકાસગૃહના સલામત હાથોમાં સોંપી છે.દ્વારકા રેલ્વે પોલીસ (આરપીએફ) માંથી 181માં એક કોલ આવ્યો હતો, જેમાં એક દીકરી મળી આવી હોવાની જાણકારી અપાઈ હતી અને 181 અભયમ્ ટીમની મદદ માગવામાં આવી હતી. માહિતીના પગલે ખંભાળિયાની અભયમ ટીમ દ્વારકા ખાતે પહોંચી ગઈ હતી.
181 અભયમ્ ટીમે દિકરીનું કાઉન્સેલિંગ કરતાં જાણવા મળ્યું કે તે દિકરી મૂળ કર્ણાટકની છે. તેના માતા-પિતાની હયાતી રહી નથી. આ દિકરી તેના કાકા-કાકી સાથે કર્ણાટક રહેતી હતી. આ દિકરીની ફઇ અને ફુવા ખંભાળિયા ખાતે રહે છે. એક મહિના અગાઉ ફઇ-ફુવા આ દિકરીને સારી રીતે રાખીશું એમ કહી પોતાની જોડે ખંભાળિયા લઈ આવ્યા હતાં. પણ અહીં આ દિકરી પર જાણે દુઃખોની વર્ષા થવા લાગી હતી. ફઈ-ફુવા દિકરીને તેમના ઘરે બહુ જ ઘરકામ કરાવતા હતાં, જુદી જુદી હેરાનગતિ પણ કરતા. એક વખત જ્યારે તેઓ ફોન પર દિકરીને વેચી નાખવાની વાત કરી રહ્યા હતાં ત્યારે આ દિકરી એ વાત સાંભળી ગઇ હતી અને ત્યાંથી ભાગી ગઈ હતી. જોકે આ દિકરી પોલીસને મળી આવતા બાદમાં તેને પોલીસની મદદથી અને CWCના આદેશથી વિકાસ ગૃહ જામનગર ખાતે રાખવામાં આવી હતી.