એસ્સાર પાવરની જેટ્ટીના અસહ્ય પ્રદુષણથી કુદરતી સંપદાનો શોથ

ઘર માંડ ચાલે છે ને પાડોશીને "આપવા" જવા જેવો પાવર કંપનીનો ઘાટ

એસ્સાર પાવરની જેટ્ટીના અસહ્ય પ્રદુષણથી કુદરતી સંપદાનો શોથ
symbolic image

Mysamachar.in-દેવભૂમિ દ્વારકા:

એસ્સાર પાવર દ્વારા જામનગર નજીકના સલાયા ગામ પાસે આવેલ પોતાની પ્રાઈવેટ જેટી ઉપરથી ફેલાતા પ્રદુષણને કારણે કુદરતી સંપદાનો શોથ વળી રહ્યાનો આક્ષેપ થયો છે જો કે એક સમયે પગારના પણ સાંસા હતા તેવી આ પાવર કંપની " ઘર માંડ ચાલે છે ને પાડોશીને આપવા ચાલ્યા છે" તેવો ઘાટ ઘડાયાનો કટાક્ષ થાય છે, સાથે-સાથે એવી ટીપ્પણી પણ થાય છે કે "જે બે પૈસા મળ્યા તે......" તેવી ગણતરીએ આજુબાજુના કારખાના અને વેપાર ધંધાને જેટ્ટી ઉપયોગમા લેવા અપાઇ રહી છે કેમકે કંપની ને પોતાને ખાસ કંઇ ઉત્પાદન નથી માટે જેટ્ટીના બેલ્ટનો ઉપયોગ ન રહેતા એમને એમ પડ્યો રહે છે જોકે તેના કારણે પ્રદુષણ થોડુ વધારાય? તે પણ મહત્વનો પ્રશ્ન છે.

દેવભૂમિ દ્વારકા જીલ્લાના સલાયા નજીક આવેલ એસ્સાર પાવરની પ્રાઈવેટ જેટી ઉપર એસ્સાર પાવર દ્વારા અન્ય કંપનીઓ જેવી કે ન્યારા એનર્જી, ઘડી ડીટર્જન્ટ, રિલાયન્સ વિગેરેનો પેટકોક કોલ,બોકસાઈડ અને અન્ય કાર્ગોનું પરિવહન કરવામાં આવે છે. જેને લીધે આસપાસના વિસ્તારોમાં આ પેટકોક અને કોલના હવામાં ઊડવાથી પ્રદુષણ ફેલાય છે, આસપાસની જમીનો અને રહેતા લોકો પાણી પશુપંખી વૃક્ષો ખેતીની જમીન વગેરે પ્રદુષિત થાય છે. આ વિસ્તારના લોકો પ્રદૂષણને કારણે અનેક ગંભીર બિમારીનો ભોગ બનતા જાય છે. હવા,પાણી ,ખેતીની જમીન વિગેરે પ્રદૂષણને કારણે આ વિસ્તારમાં લોકોનું રહેવી મુશ્કેલ બનેલ છે, અને ભવિષ્યમાં આ લોકોએ આ સ્થળેથી હિજરત કરવી પડે તેવું વાતાવરણ બનતું જાય છે.સરકારી વિભાગોને આ પહેલા રજૂઆતો કરવામાં આવેલ છે. પરંતુ કોઈપણ કારણોસર કોઈ ઉકેલ આવતો નથી અને પરિસ્થિતિમાં કોઈ સુધારો આવતો નથી.

તેમજ અન્ય સંબંધિત વિભાગો દ્વારા સ્થાનિક લગત સરકારી વિભાગોને આ અંગે યોગ્ય કરવા જણાવતા પત્રો મળેલ છે પરંતુ કોઈ યોગ્ય નક્કર કાર્યવાહી થતી નથી ઉપરાંત ગંભીર બાબત એ છે કે એસ્સાર પાવર દ્વારા જે જગ્યાએ પેટકોક અને કોલને સ્ટોરેજ કરવામાં આવે છે. તે ઓપન જ્ગ્યાએ સુરક્ષા અને પ્રદૂષણના માપદંડોનું પાલન થતું નથી આ કંપની દ્વારા પરિવહન અને સ્ટોરેજમાં ખુબજ ગંભીર બેદરકારી દાખવવામાં આવે છે જે યોગ્ય નથી એસ્સાર પાવરએ પોતાની પ્રાઈવેટ જેટી પોતાની કંપનીના કાર્ગોના પરિવહન માટે બનવેલ છે જેની જગ્યાએ આ કંપની પોતાની આ પ્રાઈવેટ જેટીનો ઉપયોગ અન્ય કંપનીના કાર્ગોના પરિવહન કરવા માટે ઉપયોગ કરે છે જે ખુબ ગંભીર બાબત છે અને આ પ્રાઈવેટ જેટી ઉપર થતાં પરિવહનને કારણે સરકારી નિયમો અને માપદંડોનું પાલન થતું નથી તેમજ સ્થાનિક રોજગારી ઉપલબ્ધ થતી નથી અને સરકાર ને મળવી જોઈતી એક્સાઈઝ ડ્યૂટી પણ ચૂકવાતી નહીં હોય તેવું જાણકારોનુ માનવું છે.

આ પ્રાઈવેટ જેટી ઉપર અન્ય કંપનીઓનો કાર્ગો ઉતારવાની તેમજ તેનું પરિવહન કરવાની જો મંજૂરી આપવામાં આવેલ હોય તો તે વહેલી તકે રદ કરવી જોઈએ કારણકે હાલમાં કોવિડ-19ની મહામારીને કારણે જામનગરમાં તેમજ આસપાસના વિસ્તારોમાં હજારો લોકો બેરોજગાર બનેલ છે. તો આ પ્રાઈવેટ જેટી ઉપર થતાં અન્ય કંપનીના કાર્ગોના પરિવહનને જો સરકારી બંદરો ઉપર પરિવહન કરવામાં આવે તો સ્થાનિક બેરોજગારોને અને લગત ધંધાકીય વેપારીઓને આનો વિશેષ લાભ મળી શકે તેમ છે. આ ઉપરાંત આ જેટી ઉપર અન્ય કંપનીઓના કાર્ગોના પરિવાહનમા દેશની સલામતી અને આ દરિયાઈ જીવ સૃષ્ટિની સલામતિનો પ્રશ્ન ઊભો થાય છે. કારણકે આ પ્રાઈવેટ જેટી હોવાથી તેઓ પોતાની અનુકૂળતા મુજબ માલનું પરિવહન કરે છે જેને કારણે ધણીબધી રીતે વાતાવરણમાં અને દરિયામાં પ્રદૂષણ ફેલાવના સંજોગો ઉભા થાય છે. આ બાબતે પણ ઉચ્ચ કક્ષાએ રજૂઆત થઇ છે, માટે આ બાબતે પણ યોગ્ય થવું જરૂરી છે.

તેમ વિગતવાર જણાવી જામનગરના કોર્પોરેટર હુશેનાબેન સંઘારએ આ વિસ્તૃત રજૂઆતમાં જણાવ્યુ છે કે પેટકોક અને કોલના પરિવહનમાં તેના ફેલાવા અને પ્રદૂષણને કારણે માનવ જીવન તેમજ સજીવ જગતને થતાં નુકશાનને દૂર કરવા તેમજ આસપાસના સ્વીસ્તારને પ્રદૂષણથી મુકત કરવા આ પ્રાઈવેટ જેટી ઉપરથી અન્ય કંપનીઓના પેટકોક, કોલ અને અન્ય કાર્ગોના પરિવહનને સંપૂર્ણપણે પ્રતિબંધિત કરવામાં આવે અને જો તેમનું પરિવહન કરવું ખુબ જ અનિવાર્ય હોય તો જામનગરના સરકારી બંદરો ઉપરથી પરિવહન કરવામાં આવે જેથી આ તમામ કામગીરી સરકારી નિયમોનુંસાર અને સરકારી દેખરેખ હેઠળ થાય તથા સરકારી બંદારો શહેરનો દૂર હોય અને સ્ટોરેજ માટે પાકા ગોડાઉન હોવાથી અનેક રીતે યોગ્ય રહેશે જેને લીધે સ્થાનિક લોકોને પણ અનેક રીતે રોજગાર મળશે.આ અંગે સરકાર દ્વારા યોગ્ય ઉકેલ નહીં લાવવામાં આવે તો અહીના સ્થાનિક લોકોને ન્યાય આપવવા માટે ગુજરાત હાઇકોર્ટમાં પી.આઈ.એલ.દાખલ કરવાની ફરજ પડશે તેવી ચીમકી પણ આપી છે.