ધુંવાવમા બે ભાઈઓની કરોડોની જમીન પચાવી પાડવાનું કાવતરું, જાણો કઈ રીતે થયું કૌભાંડ..

સબરજીસ્ટ્રાર ઓફીસની પણ ભૂંડીભૂમિકા,

ધુંવાવમા બે ભાઈઓની કરોડોની જમીન પચાવી પાડવાનું કાવતરું, જાણો કઈ રીતે થયું કૌભાંડ..
Symbolic Image

Mysamachar.in-જામનગર:

જામનગરમા છાસવારે જમીન કૌભાંડો સામે આવી રહ્યા છે, અને સામે આવી રહેલા જમીન કૌભાંડોમા તંત્રની પણ ક્યાંકને ક્યાંક ભૂમિકાને કારણે આવા કૌભાંડો સાંગોપાંગ ઉતરી જાય છે, જામનગર નજીક ધુંવાવ ગામમા આવેલ જમીન પચાવી પાડવા એક સુવ્યવસ્થિત કાવતરું રચી બે સગાભાઈઓની કરોડોની કીમતની જમીન પચાવી પાડવા અંગેની બે જુદી-જુદી ફરિયાદો પંચકોશી એ ડીવીઝન પોલીસમથકમાં દાખલ થયા બાદ આ ગુન્હાની તપાસ સ્થાનિક ગુન્હાશોધક શાખાને સોંપવામાં આવી છે.

નોધાયેલા ગુન્હામાં પ્રથમ ગુન્હાની વાત કરીએ તો જામનગરના ઓશવાળ કોલોનીમા રહેતા અને ખેતીના વ્યવસાય સાથે સંકળાયેલા મહેશ રણછોડભાઈ બુસા નામના વ્યક્તિની ધુંવાવ ગામે આવેલ સર્વે નંબર ૪૦૨ ની હેકટર૧-૧૭-૫૬ વાળી જમીન જેની અંદાજે કીમત રૂપિયા દોઢ કરોડ જેટલી થાય છે, તે ખેતીની જમીનનું ખોટું પાવર ઓફ એટર્ની બનાવી અને ખોટા નામ અને સરનામાઓને આધારે વેચાણ દસ્તાવેજ કરી છેતરપીંડી કરનાર રામભાઈ મેરામણભાઈ કેશવાલા પોરબંદર, અલ્તાફ ઉર્ફે પપ્પુ કાસમખફી, જયેશ રણછોડ અમીપરા, અખ્તર ઈબ્રાહીમ ખીરા, વિજય પુંજા મોઢવાડીયા, ભરત ગાગખુંટી, પુંજા રામા ઓડેદરા, અમદાવાદના નોટરી એ.આર.શેખ, અને જામનગર સબરજીસ્ટ્રાર ઝોન-૪ ભરતસિંહ મનુભા જાડેજા સહીત ના સામે ગુન્હો નોંધાયો છે,

તો બીજા ગુન્હામાં જામનગરના જનતાફાટક નજીક રઘુવીર સોસાયટીમા વસવાટ કરતાં જયેશ રણછોડભાઈ બુસા કે જેવો મહેશભાઈના ભાઈ છે તેવોની પણ ધુંવાવ ગામે આવેલ સર્વે નંબર ૪૦૩ની હેકટર ૧-૬૧-૮૬ જેની કીમત અંદાજે બે કરોડ જેટલી થાય છે,તે પચાવી પાડવા ઉપરોક્ત જણાવેલ આરોપી પૈકી અમદાવાદના નોટરી સિવાયના તમામ સામે ફરિયાદ નોંધાઈ છે.

-૨૦૧૨મા અમદાવાદમાં ફરિયાદીનું ખોટું પાવર ઓફ એટર્ની બન્યું ૨૦૧૮મા તેના આધારે થયો દસ્તાવેજ..

જમીન કૌભાંડના માસ્ટર માઈન્ડ ગમે તેમ કરીને જમીન કૌભાંડ કરે છે, આ કિસ્સામાં પણ વર્ષ ૨૦૧૨ મા અમદાવાદ ખાતે ફરિયાદી મહેશભાઈના નામનું બોગસ પાવર ઓફ એટર્ની બનાવવામાં આવ્યું હતું અને બાદમાં તેના આધારે ૨૦૧૮ મા મહેશભાઈના નામનો જામનગરમાં દસ્તાવેજ થયો અને વકીલ વિના આખીય પ્રક્રિયા થઇ..

-૭/૧૨મા જયેશ રણછોડના નામેખેલ પડ્યો..સબ રજીસ્ટ્રાર કચેરીની ભૂંડી ભૂમિકા

સામાન્ય રીતે ૭/૧૨ ના દાખલા કાઢવામાં આવે ત્યારે તેમાં અટક હોતી નથી, તેનો ફાયદો આ કૌભાંડમાં કૌભાંડી અને સરકારી અધિકારી દ્વારા લેવામાં આવ્યો, જેમાં ફરિયાદીનું નામ જયેશ રણછોડભાઈ બુસા છે, જયારે આરોપીનું નામ જયેશ રણછોડ અમીપરા છે, ત્યારે આરોપીએ પોતે જયેશ રણછોડ છે તેવું કચેરીમાં પ્રસ્થાપિત કરી બોગસ દસ્તાવેજના આધારે આ કૌભાંડ આચરી અન્યને નામે દસ્તાવેજ કર્યાનું પ્રાથમિક તપાસમાં સામે આવે છે. દસ્તાવેજ બાદ આ કેસમાં ૧૩૫ ડીની નોટીસોની બજવણી ના થઇ હોવાનું પણ સામે આવે છે.