હાલારના હજારો ખેડૂતો પાસેથી કરોડોની કિસાન સહાય પરત ખેંચાશે

આવકવેરો ભરનારાઓએ પાસેથી પી.એમ. કિસાન સન્માનનિધિની રકમ લીધાનું ખુલ્યુ

હાલારના હજારો ખેડૂતો પાસેથી કરોડોની કિસાન સહાય પરત ખેંચાશે
symbolic image

Mysamachar.in-જામનગર:દેવભૂમિ દ્વારકા:

હાલારના બંને જિલ્લાના મળી હજારો ખેડૂતો પાસેથી કિસાન સહાયની રકમ પરત ખેંચવાની કાર્યવાહી હાથ ધરાઇ છે કેમકે આવકવેરો ભરનારા ખેડૂતોએ પણ પીએમકિસાન સન્માન નિધીની રકમ મેળવી લીધી હોવાનું સામે આવતા આ કાર્યવાહી શરુ કરાઈ છે, પોતે આવકવેરો ભરવા છતાં મોટી સંખ્યામાં ખેડૂતો સરકારી સહાય લઇ રહ્યા હોવાનો પ્રધાનમંત્રી કિશાન સન્માનનિધિ યોજનાની સહાયમાં બહાર આવ્યુ છે જેમાં જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં કુલ ચૌદ હજારથી પણ વધુ એ સહાય મેળવી હોવાનું જાહેર થયું છે ત્યારે સરકાર દ્વારા રીકવરીના આદેશ કરીને ખેડૂતોના બેંક ખાતા મારફત પરત સહાય ખેંચવામાં આવી રહી છે.

આ અંગેની વિગત મુજબ કિસાન સમ્માનનિધિ પોર્ટલ અને આવકવેરા કરદાતાનું પોર્ટલ તપાસ કર્યા બાદ જામનગર જિલ્લામાં આઠ હજારથી વધુ જેટલા અને દ્વારકા જિલ્લામાં પણ ખુબ મોટી સંખ્યામાં ખેડૂતો કરદાતા હોવા છતાં કિશાન સમ્માન નિધિ યોજના હેઠળ ખોટી સહાય મેળવી હોવાનું બહાર આવ્યુ છે દરમિયાન વધુમાં મળતી વિગત મુજબ સરકાર દ્વારા બે હેકટર સુધી જમીન ધરાવતા ખેડૂતોને 6 હજાર ત્રણ હપ્તા હેઠળ રોકડ સહાય મંજુર કરીને સીધા જ ખેડૂતોના બેંક ખાતામાં જમા કરવામાં આવ્યા હતાં અને ગુજરાતમાં આ યોજના અમલમાં આવતા જામનગર અને દ્વારકા જિલ્લામાં કરોડો રૂપિયાની સહાય મંજુર કરીને તબક્કાવાર ચૂકવણા કરવામાં આવ્યા હતાં તેવામાં આ કિસાન સમ્માન નિધિ યોજનાની શરતો મુજબ આવકવેરો ચૂકવનાર કરદાતા આ સહાય મળવાપાત્ર નથી તેવું ફોર્મમાં જણાવવામાં આવ્યુ હતું.

છતાં મોટી સંખ્યામાં આવકવેરો ભરતા ખેડૂતો આ સહાય લેતા હોવાનું તપાસ દરમિયાન બહાર આવતા રીકવરી કરવામાં આવી રહી છે આમ આવકવેરો ભરવા છતાં કિસાન નિધિ સહાય મેળવનાર ખેડૂતો પાસેથી આઠ કરોડથી પણ વધુ રકમની રીકવરી કરવામાં આવી રહી છે અને ગાંધીનગરથી જ સીધી જે-તે ખેડૂતોના બેંક ખાતા મારફત રીકવરી કરવામાં આવી રહી હોવાથી તમામ બેંકોને સીધા જ ગાંધીનગરથી આદેશો આપવામાં આવ્યા છે.