Mysamachar.in-અમદાવાદ
અમદાવાદ શહેરના વિવિધ વિસ્તારમાં કન્સ્ટ્રકશન સાઇટ પર કામ કરતા મજૂર અને અન્ય દુકાનોમાંથી એકાદ નહી પણ 100થી વધુ મોબાઈલ ફોનની ચોરી કરતા 2 શખ્સોને અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડ્યા છે. આરોપીઓ પાસેથી ક્રાઇમ બ્રાન્ચે 107 મોબાઈલ ફોન કબજે કર્યા છે. અમદાવાદના સેટેલાઇટ, ઘાટલોડિયા, આનંદનગર, વસ્ત્રાપુર, બોપલ જેવા વિસ્તારમાં 150થી વધુ ફોનની ચોરી કરનાર જયેશ ઉર્ફે જયલો અને સતીષ ઉર્ફે સત્યાને ક્રાઇમ બ્રાન્ચે ઝડપી લીધા છે. પકડાયેલા આરોપીઓ શહેરમાં ચોરીના ફોન વેચવા માટે ફરતા હતા,
ત્યારે ક્રાઇમ બ્રાન્ચને બાતમી મળી હતી કે જેના આધારે બન્ને શકમદની અટકાયત કરતા તેમની પાસે 107 મોબાઈલ મળી આવ્યા હતા. ક્રાઇમબ્રાન્ચે આરોપીઓની સઘન પૂછપરછ દરમિયાન જાણવા મળ્યું કે આરોપીઓ રોજ રીક્ષા લઈને શહેરની અંદર કન્સ્ટ્રક્શન સાઇટની રેકી કરતા હતા. ત્યાર બાદ વહેલી સવારે સાઇટ પર જયારે મજૂરો સુતા હોય ત્યારે તેના મોબાઈલ ચોરી કરતા હતા. આટલેથી ના અટકતા આરોપીઓ દિવસ દરમિયાન દુકાનોમાં ફરતા હતા અને દુકાનદારોની નજર ચૂકવીને તેમના ફોન ચોરી લેતા હોવાનું પ્રાથમિક તપાસમાં ખુલવા પામ્યું છે.