Mysamachar.in-જામનગર:
જામનગર જિલ્લાની પાંચ વિધાનસભા બેઠકો પૈકી જામજોધપુર-લાલપુર વિધાનસભા બેઠકનાં મતવિસ્તારોમાં ભાજપાનાં ઉમેદવાર ચીમનભાઈ શાપરિયા ગજબ છવાઈ ગયા છે. તેઓએ આજે સતત બીજા દિવસે મતવિસ્તારમાં રોડ-શો યોજી સમગ્ર વાતાવરણને વધુ કેસરિયું બનાવી દીધું છે, આજનાં રોડ-શોમાં ક્રિકેટસ્ટાર રવિન્દ્ર જાડેજાની વિશેષ હાજરીને કારણે સમગ્ર માહોલ વધુ ચાર્જ થતાં આ સમગ્ર મતવિસ્તાર વાઈબ્રન્ટ બની ચૂકયો છે.
જામજોધપુર-લાલપુર વિધાનસભા બેઠક પરનાં ભાજપાનાં ઉમેદવાર ચીમનભાઈ શાપરિયા સતત બાર દિવસનાં ચૂંટણી પ્રચાર દરમિયાન આ બંને તાલુકામાં એક એક ગામ સુધી પહોંચી ગયા છે. સર્વત્ર કેસરિયો માહોલ જોવા મળી રહ્યો છે. સમગ્ર મતવિસ્તારમાં ચીમનભાઈને જબરો આવકાર અને સમર્થન મળી રહ્યું છે. કાલે સોમવારે તેઓએ જામજોધપુર શહેરમાં રોડ-શો યોજી ચૂંટણી પ્રચાર કર્યો હતો. આજે મંગળવારે સવારે નવ વાગ્યાથી તેઓનો રોડ-શો લાલપુર તાલુકામથકે યોજાયો હતો. આ વિશાળ રોડ-શો લાલપુર શહેરનાં સરદાર ચોકમાં આવેલા ભાજપા કાર્યાલયથી પ્રારંભ પામી શહેરનાં તમામ મુખ્ય વિસ્તારોમાં, બજારોમાં પહોંચ્યો હતો. આ રોડ-શોમાં ભારતીય ક્રિકેટ સ્ટાર અને જામનગર શહેરનાં ભાજપાનાં ઉમેદવાર રિવાબા જાડેજાનાં જિવનસાથી રવિન્દ્ર જાડેજાની વિશેષ હાજરીને કારણે સમગ્ર લાલપુર પંથકમાં અનેરો રોમાંચ જોવા મળ્યો.
ખાસ કરીને યુવા વર્ગમાં રવિન્દ્ર જાડેજાનો જબરો ક્રેઝ દેખાયો. મોટી ઉંમરનાં મતદારો, મહિલાઓ ઉપરાંત વેપારીઓ અને ખેડૂત વર્ગ તથા બાળકોએ પણ આ ભવ્ય રોડ-શોને માણ્યો. સમગ્ર વાતાવરણ ભાજપામય બની ગયું. રવિન્દ્ર જાડેજા ઉપરાંત ઉમેદવાર ચીમનભાઈ શાપરિયા સહિતના જિલ્લાનાં હોદેદારો, આગેવાનો, સ્થાનિક આગેવાનો, કાર્યકરોનું લાલપુર તાલુકામથકે ભવ્ય સ્વાગત સન્માન કરવામાં આવ્યું. સેંકડો લોકોએ તથા સ્થાનિક આગેવાનોએ રવિન્દ્ર જાડેજા તથા ઉમેદવાર ચીમનભાઈ શાપરિયાનુ ફુલહારથી સ્વાગત સન્માન કર્યું હતું. આ રોડ-શોમાં સમગ્ર તાલુકાનાં હજારો ગ્રામજનો ઉમટી પડતાં તાલુકામથક લાલપુર વાઈબ્રન્ટ બની ગયું હતું. સેંકડો યુવાનો અને કાર્યકરો છેક જામજોધપુરથી આજે સવારમાં લાલપુર પહોંચી ગયા હતાં અને આ ભવ્ય રોડ-શો માં જોડાયાં હતાં, તેઓએ રવિન્દ્ર જાડેજાને મળી -નિહાળી અદભૂત રોમાંચ અનુભવ્યો. લાલપુર તાલુકામથકે વિવિધ સંસ્થાઓનાં પ્રતિનિધિઓ તથા જુદાં જુદાં ક્ષેત્રોના સ્થાનિક અગ્રણીઓએ પણ રવિન્દ્ર જાડેજા અને ઉમેદવાર ચીમનભાઈ શાપરિયાનું ફુલહારથી સન્માન કર્યું હતું.
અત્રે નોંધનીય છે કે, કાલે સોમવારે પણ ચીમનભાઈ શાપરિયાએ જામજોધપુરમાં રોડ-શો યોજ્યો હતો જેમાં પણ સેંકડો લોકો જોડાયા હતાં. આ ઉપરાંત ચીમનભાઈએ કાલે સોમવારે ચૂંટણી પ્રચારનાં બારમા દિવસે, માં ઉમિયા માતાજીનાં ધામ સીદસર અને ગીગણી ગામોમાં મતદારોનો સંપર્ક કર્યો હતો. ત્યારે પણ પક્ષનાં જિલ્લાનાં હોદેદારો, આગેવાનો અને કાર્યકરો મોટી સંખ્યામાં સાથે રહ્યા હતાં. મતદારોએ ગુજરાતની ડબલ એન્જિન સરકાર પ્રત્યે ભરોસો વ્યક્ત કરી આ વખતે આ મતવિસ્તારમાં ચીમનભાઈ શાપરિયાને વિજયી બનાવવા ઉત્સાહ દેખાડ્યો હતો.