દલિત મહિલાની લાશને દફનાવવા દેવાનો ઇન્કાર કરનાર ૫ આરોપીઓને સજા ફટકારતી અદાલત

શું હતો બનાવ?

દલિત મહિલાની લાશને દફનાવવા દેવાનો ઇન્કાર કરનાર ૫ આરોપીઓને સજા ફટકારતી અદાલત

mysamachar.in-જામનગર:

સાંપ્રત સમયમાં જ્યારે દલિત અત્યાચારોના બનાવો વધી રહ્યા છે,તેવા સમયે દલિત મહિલાની લાશને સ્મશાનમાં અંતિમવીધી કરતા અટકાવનાર પાંચ આરોપીઓને જામનગરની સ્પેશ્યલ એટ્રોસીટી અદાલત દ્વારા એટ્રોસીટીના ગુન્હામાં તકસીરવાન ઠરાવી સજાનો હુકમ કર્યો છે.

સમગ્ર જામનગર જીલ્લામાં ચકચાર જગાવનાર દલિત અત્યાચારના આ ચકચારી બનાવની વિગત એવી છે કે જામનગરના દડીયા ગામે રહેતા દિનેશ ડાયાભાઇ પરમારની પત્ની રતનબેનનું ડીલેવરી દરમ્યાન અવસાન થતાં તેણીને દડીયા ગામે દલિતના સ્મશાનમાં અંતિમક્રિયા માટે લઈ જવામાં આવેલ.

ત્યારે દડીયા ગામના ભૂપતભાઇ રતીલાલભાઈ લખિયર,મનસુખભાઈ ગોરધનભાઈ લખિયર,ગાંડુભાઈ ભવાનભાઇ લખિયર,જયસુખ શાંતીલાલ હરવરા અને પ્રતાપ ઉર્ફે પ્રવીણ બચુભાઈ હરવરાએ અડચણ ઊભી કરી મરનાર રતનબેનની લાશને દફનાવતા અટકાવેલ અને સ્મશાનવીધીમાં હાજર રહેલા વ્યકિતઓને તેમજ મરનારના પતિ તથા દિયરને પણ ધાક-ધમકી આપતા બનાવ સ્થળે પોલીસને બોલાવવામાં આવી હતી, ત્યારબાદ પોલીસની હાજરીમાં મરનારની લાશની અંતિમવીધી કરવા દીધેલી,

આ બનાવની ફરિયાદ નાનજીભાઇ ડાયાભાઈ પરમારએ નોંધાવેલી હતી અને પોલીસે એટ્રોસીટી એક્ટના કાયદાની કલમ ૩:૧:૧૦: તથા ઈ.પી.કોડની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી જામનગરની સ્પેશ્યલ અદાલતમાં ચાર્જશીટ ફાઇલ કરેલ હતું.

આ કેસ જામનગરની સ્પેશ્યલ એટ્રોસીટી અદાલતમાં ચાલી જતા ફરિયાદપક્ષ તથા મુળ ફરિયાદપક્ષે એવી દલીલો કરવામાં આવેલી કે, કેસના તમામ સાહેદોએ બનાવને સંપૂર્ણ સમર્થન આપેલ છે અને સાંપ્રત સમયમાં દલિત અત્યાચારોના બનાવો દિવસે ને દિવસે વધી રહ્યા છે,

ત્યારે સામાજીક માળખાને વીખેરી નાખતા આવા આરોપીઓને માફ કરી શકાય નહીં અને દલીતો પ્રત્યે ઘૃણા જન્માવનાર અને સમાજમાં અસમાનતા ઉભી કરનાર વ્યક્તિઓને છોડી મુકવામાં આવે તો સમાજમાં દલિત અત્યાચારના બનાવોને પ્રોત્સાહન મળશે,

ઉપરાંત એવી મહત્વની દલીલો કરેલી કે મોતનો પણ જો મલાજો જળવાતો ન હોય તો સભ્ય સમાજ માટે કલંકરૂપ ઘટના ગણાય વગેરે જેવી દલીલો તથા સુપ્રીમકોર્ટ અને વિવિધ ઉચ્ચ અદાલતોના ચુકાદાઓ ધ્યાને લઈ સ્પેશ્યલ એટ્રોસીટી અદાલતે પાંચેય આરોપીઓને એટ્રોસીટી એક્ટ હેઠળ તકસીરવાન ઠરાવી ત્રણ વર્ષની સજા તથા એક હજારનો દંડ અને દંડ ન ભરે તો એક મહિનાની સાદી કેદની સજાનો હુકમ કરેલ છે.ઉપરાંત કલમ-૧૪૩ હેઠળ તકસીરવાન ઠરાવી છ મહિનાની સજા અને ૧૦૦૦નો દંડ ફરમાવેલ છે.