કાર ઝાડ અથડાઈ, માતા-પિતાનું મોત બાળકનો આબાદ બચાવ

કાર ઝાડ સાથે ધડાકાભેર અથડાઈ હતી.

કાર ઝાડ અથડાઈ, માતા-પિતાનું મોત બાળકનો આબાદ બચાવ

Mysamachar.in-છોટા ઉદેપુર

કુદરતનો ચમત્કાર કહો કે બીજું કાઈ... એક કાર ઝાડ સાથે અથડાઈ અને અકસ્માત થયો આ અકસ્માતમાં દંપતીનું મોત થયું જયારે દોઢ વર્ષના બાળકનો બચાવ થયો છે, આ ઘટના પાવી જેતપુરના તારાપુર-ઉમરવા વચ્ચેની છે, જ્યાં વળાંક ઉપર ઇકો કાર ઝાડ સાથે ભટકાતા દંપતિનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. જ્યારે તેઓના દોઢ વર્ષના બાળકને ઇજા થતાં વડોદરા રિફર કરવામાં આવ્યો છે. પાવી જેતપુરના ડુંગરવાંટના યુવાન દંપતી મહેશભાઈ નટુભાઈ તેમની પત્ની નિષાબેન મહેશભાઈ અને દોઢ વર્ષના બાળક યુવરાજની સાથે ડુંગરવાંટથી ગત મોડી રાત્રે લગભગ પોણા આઠ વાગ્યાના અરસામાં પાવી જેતપુર તરફ આવવા નીકળ્યા હતા. ત્યારે રસ્તામાં ઉમરવાથી તારાપુરના રસ્તા વચ્ચે વળાંક ઉપર મહેશભાઈએ ઇકો કારના સ્ટીયરીંગ પરનો કાબૂ ગુમાવી દેતા કાર ઝાડ સાથે ધડાકાભેર અથડાઈ હતી.

આ અકસ્માતમાં કાર ચાલક મહેશભાઈને માથાના ભાગે, પગમાં તેમજ છાતીના ભાગે તથા તેમની પત્ની નિષાબેનને માથાના ભાગે ગંભીર ઇજાઓ થતા બન્ને જણના ઘટનાસ્થળે જ મોત નિપજ્યા હતા. જ્યારે તેઓની સાથે પોતાનું બાળક યુવરાજ પણ હતો જેનો આબાદ બચાવ થયો હતો અને તેને પણ ઇજા થતાં વડોદરા રિફર કરવામાં આવ્યો છે. આ ગમખ્વાર અકસ્માતમાં દંપતિનું ઘટનાસ્થળે જ મોત થતા અરેરાટી ફેલાઈ ગઈ હતી.