શરદી-ઉધરશ અને કફની બીમારીનો ઇલાજ રસોડામાં જ છે !

ઘરગથ્થુ અકસીર ઇલાજ

શરદી-ઉધરશ અને કફની બીમારીનો ઇલાજ રસોડામાં જ છે !
symbolic image

Mysamachar.in-જામનગરઃ

છેલ્લા કેટલાક સમયથી શિયાળો બરાબરનો જામ્યો છે, જો કે ઋતુઓ બદલવાની સીધી અસર સ્વાસ્થ્ય પર થાય છે. ખાસ કરીને શિયાળામાં શરદી-કફ અને ઉધરસની બીમારીની ફરિયાદ વધુ જોવા મળે છે. ઘણાની ફરિયાદ હોય છે કે અનેક દવા લીધા બાદ પણ શરદીમાંથી છૂટકારો મળતો નથી, પરંતુ ઘણીવાર બીમારીનો ઇલાજ રસોડામાં જ હોય છે. ઘણીવાર મોસમની બીમારી માટે ઘરગથ્થુ ઉપાયો અકસીર સાબિત થયા હોય છે. ડ્રાય કફ એટલે કે સૂકી ખાંસી, ગળું ખૂબ દુખતું હોય, પાણી પીવામાં કે કશું ગળવામાં દુખાવો થતો હોય ત્યારે તમે આ ઉપચાર અજમાવી શકો છો. હળદર અને ખડી સાકરનો પાઉડર બન્ને સપ્રમાણ લઈને ફાકી જવાનું. આ ઉપચાર દિવસમાં કોઈ પણ સમયે લઈ શકાય. દિવસમાં બે વખત એ લઈ શકાય છે. ખાસ કરીને એક વખત દિવસમાં અને એક વાર રાત્રે સૂતાં પહેલા લો તો એ ઘણું ઉપયોગી બને છે.

જ્યારે ભીનો કફ હોય એટલે કે ગળફા નીકળતા હોય તો તુલસીનો રસ 1 ચમચી એમાં 1 ચમચી મધ અને અડધી ચમચી હળદરનો પાઉડર ભેળવીને લઈ શકાય. દિવસમાં કોઈ પણ સમયે એક કે બે વાર આ લઈ શકાય છે. જો મધ ન વાપરવું હોય તો એની જગ્યાએ ગોળ વાપરી શકાય છે. જો સફેદ ચીકણો કફની સમસ્યા હોય તો એક ચમચી આદુનાં રસમાં 1 ચમચી મધ અને અડધી ચમચી હળદર ભેળવીને લઈ લેવું. આ પણ દિવસમાં કોઈ પણ સમયે એક કે બે વાર લઈ શકાય. અહીં પણ જે લોકો મધ ન વાપરે તે ગોળ વાપરી શકે છે. જામેલા કફની સમસ્યા માટે હળદરનો પ્રયોગ એક પ્રભાવશાળી ઉપાય છે. હળદર એક શ્રેષ્ટ એન્ટીસેપ્ટિક છે. તેમાં એન્ટીઓક્સીડેન્ટ પણ ભરપૂર પ્રમાણમાં છે સાથે જ કકર્યૂમિન પણ હોય છે. જે શરીરની ઘણી બધી આંતરિક અને બાહ્ય સમસ્યાઓમાં ફાયદો કરે છે. એક ગ્લાસ ગરમ દૂધમાં હડદર અને અડધી ચમચી કાળા મરીનો પાઉડર મિક્ષ કરો. હવે તેમાં એક ચમચી મધ પણ નાખો. આ દૂધનું રોજ સેવન કરવાથી થોડાક જ દિવસમાં છાતી અને ગળામાં જામેલો કફ સાફ થઈ જશે.