ગામડા સુધી ભ્રષ્ટાચારનો સડો, ગામમાં કરવાનું કામ ના થયું અને ચૂકવાઈ ગયા નાણા

એસીબીની લાંબી તપાસ બાદ તત્કાલીન 2 સરપંચો સામે નોંધાયો ગુન્હો

ગામડા સુધી ભ્રષ્ટાચારનો સડો, ગામમાં કરવાનું કામ ના થયું અને ચૂકવાઈ ગયા નાણા

Mysamachar.in-જામનગર

આપને ત્યાં શહેરોમાં મોટા સરકારી સાહેંબો લાંચની માગણી કરે અને છટકામાં આવી જાય આવા અનેક કિસ્સાઓ સમયાંતરે સામે આવતા રહે છે, પણ છેલ્લા કેટલાક વર્ષોથી નાની-નાની વસ્તી ધરાવતા ગામડાઓ સુધી પણ ભ્રષ્ટાચારનો સડો વ્યાપી ચુક્યો છે, અને ગામની આસપાસ કે પછી ગામોમાં ચાલતા સરકારી કામોમાંથી કેમ કટકી કરવી તેના માટે અમુક સરપંચો અને અમુક સભ્યો ની ખાસ મોડસઓપરેન્ડી છે, (અહી બધાની વાત નથી અમુક ગામના વિકાસ માટે પણ જીવ રેડીને કાર્યરત હોય છે)

આવો જ એક કિસ્સો જામનગર જીલ્લાના જામજોધપુર તાલુકાના ચૂર ગામે તત્કાલીન સરપંચે વર્ષ 2016-17માં ગામમાં વિકાસ કાર્યો અંતર્ગત ગામમાં હકિકતમાં કામો ન થવા છતા કમ્પલીશન સર્ટીફીકેટ આપી લાગતા વળગતાને સતાનો દુરઉપયોગ કરી રૂ.1,89,400નુ ચુકવણુ કરી દિધાની ઇન્ચાર્જ તાલુકા વિકાસ અધિકારીએ એસીબીમાં અરજી કરી હતી. જેના આધારે એસીબીએ તપાસ ચલાવતા ચૂર ગામના મહિલા સરપંચ સહિત બન્ને તત્કાલીન સરપંચે સતાનો દુરઉપયોગ કરી સરકારી નાણાની ઉચાપત કરી હોય ગુન્હો દાખલ થયો છે,

એસીબી પાસેથી મળી રહેલ વિગતો પ્રમાણે જામજોધપુર તાલુકાના ચુર ગ્રામપંચાયતે વર્ષ 2016-17માં સરકારની જુદી-જુદી યોજનાઓ હેઠળ ગામમાં રબારીવાસમાં પાણીની ટાંકી તથા ગામતળમાં પાઇપ લાઇનનું કામ થયેલ ન હોવા છતા તત્કાલીન સરપંચ મુરીબેન નથુભાઇ રાઠોડ અને નિતેશસિહં ગંભીરસિંહ જાડેજાએ જવાબદાર અધિકારીની સ્થળ તપાસ વગર જ કમ્પલીશન સર્ટીફીકેટ આપી દિધું હતું.તેમજ આર્થિક લાભ મેળવવા માટે સબંધીતોના નામના વાઉચર બનાવી કામ થયુ ન હોવા છતા કાગળ પર કામ દર્શાવી રૂ.1,89,400 ચુકવણું પણ કરી દિધું હતું.

આમ નાણાકિય ગેરરીતી અંગેની જામજોધપુર તાલુકા પંચાયતના ઇન્ચાર્જ તાલુકા વિકાસ અધિકારી પ્રફુલ્લચંદ્ર સંચાણીયાએ એસીબીમાં બન્ને તત્કાલીન સરપંચ વિરૂધ્ધ અરજી કરી હતી.જે અરજી અન્વયે એસીબી દ્વારા તપાસ આરંભતા સાબિત થયુ હતું કે, સ્થળ પર કામ થયું ન હોવા છતા ખોટા દસ્તાવેજો ઉભા કરી વાઉચર દ્વારા રૂ.1,89,400 નુ ગેરકાયદેસર ચુકવણુ કરી દિધું છે.એસબીએ ઉપરોક્ત બન્ને તત્કાલીન સરપંચો વિરૂધ્ધ ગુનો નોંધી આગળની તપાસ આરંભી છે. બન્ને તત્કાલીન સરપંચોની ધરપકડ બાદ હવે એસીબી હવે જે અન્ય સર્ટિફિકેટ આપનાર સહીત કેટલાક અન્ય શખ્સો પર પણ વિશેષ તપાસમાં એસીબી તવાઈ બોલાવી શકે છે.