Mysamachar.in:જામનગર
જામનગર મહાનગરપાલિકાની જે રીતે હદ દિશાઓ વધી રહી છે તે પ્રમાણે લોકોને આરોગ્ય સુવિધાઓ મળે તે માટેના પ્રયાસના ભાગરૂપે શહેરમાં બે અલગ અલગ વિસ્તારોમાં શહેરી સામુહિક આરોગ્ય કેન્દ્રનું કામ પુરજોશમાં ચાલી રહ્યું છે, આ કામગીરી પૂર્ણ થતા હાપા માર્કેટિંગ યાર્ડ રોડ અને બેડી સર્કલ રીંગ રોડ એમ બન્નેની આસપાસના વિસ્તારોમાં વસવાટ કરતા અંદાજે 3 લાખ લોકો સુવિધાસભર બનનાર આરોગ્ય કેન્દ્રોનો લાભ તેમના ઘર નજીક જ મેળવી શકશે અને દુર સુધી હોસ્પિટલના ધક્કામાંથી મુક્તિ મળશે.
પ્રથમ વાત કરવામાં આવે તો જામનગર મહાકાલી સર્કલથી બેડી સર્કલ રીંગરોડ પર મયુરવાટિકા પાસે શહેરી સામુહિક આરોગ્ય કેન્દ્ર અંદાજે 13.75 કરોડના ખર્ચે આરોગ્ય વિભાગ અને સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજનાની ગ્રાન્ટમાંથી અમદાવાદની બચમાક કન્સલ્ટન્ટ દ્વારા પ્રોજેક્ટ તૈયાર કરવામાં આવ્યા બાદ સ્ટાન્ડર્ડ બીલ્ડકોન દ્વારા આ કામગીરી ચાલી રહી છે જેમાં હાલ ફાઉન્ડેશન, ગ્રાઉન્ડ ફ્લોર કોલમ અને સ્લેબ નું કામ પૂર્ણ થઇ ચુક્યું છે.
કુલ 92,400 ચોરસ ફૂટમાં ગ્રાઉન્ડ ફ્લોર તેમજ ફર્સ્ટ ફ્લોર મળી 37,800 ચોરસ ફૂટનું બાંધકામ થશે જેમાં ગ્રાઉન્ડ ફ્લોર પર રિસેપ્શન, કેસ રૂમ, ફાર્મસી, કોલ્ડરૂમ, ઈમરજન્સી વોર્ડ, માઈનોર ઓટી, ઓપીડી રૂમ, સોનોગ્રાફી, એકસ રે અને લેબોરેટરી એક ફાયર લીફ્ટ, જ્યારે પહેલા માળે મેલ ફીમેલ વોર્ડ, રીકવરી રૂમ, લેબર રૂમ, નવજાત બાળકો માટે NBSU, SNCU બે અઈસોલેશન રૂમ, સ્ટોર રૂમ, પીવાના પાણી સહિતની સુવિધાઓ હશે. આ આરોગ્ય કેન્દ્ર અહી શરુ થવાથી આસપાસના Iવિસ્તારોના દિગ્જામ વુલનમિલ, ડીફેન્સ કોલોની, બાલાજી પાર્ક, દ્વારકાધીશ રેસીડેન્સી, રવિ પાર્ક, સેના નગર, ઇન્દિરા કોલોની, મયુરનગર, ઢીચડા ગામ સહિતના અંદાજે દોઢ લાખ લોકોને આધુનિક આરોગ્યલક્ષી સારવાર ઝડપી પ્રાપ્ત થશે જેને કારણે જીજી હોસ્પીટલનું ભારણ પણ ઘટશે.
આવા જ બીજા નિર્માણધીન આરોગ્ય કેન્દ્રની વાત કરવામાં આવે તો હાપા માર્કેટિંગ યાર્ડ રોડ પર ટીપી સ્કીમ નંબર 1 માં શહેરી સામુહિક આરોગ્ય કેન્દ્ર બનાવવાની કામગીરી હાલ ચાલી રહી છે.આરોગ્ય વિભાગ અને 15 માં નાણાપંચની ગ્રાન્ટમાંથી અંદાજે 10.08 કરોડના ખર્ચથી નિર્માણ પામનાર આ આરોગ્ય કેન્દ્રનું અમદાવાદની બચમાક કન્સલ્ટન્ટ દ્વારા પ્રોજેક્ટ તૈયાર કરવામાં આવ્યા બાદ બી.જે.ઓડેદરા નામની કંપની દ્વારા આ કામ આગળ ધપાવવામાં આવી રહ્યું છે.હાલ અહી ફાઉન્ડેશન પ્લીન્થ બીમ તેમજ કમ્પાઉન્ડ વોલના પ્લીન્થ બીમ નું કામ પૂર્ણ થઇ ચુક્યું છે.
કુલ 37,674 ચોરસ ફૂટમાં ગ્રાઉન્ડ ફ્લોર અને ફર્સ્ટ ફ્લોર મળી 31,807 ચોરસફૂટનું બાંધકામ થશે જેમાં ગ્રાઉન્ડ ફ્લોર પર રિસેપ્શન, કેસ રૂમ, ફાર્મસી, કોલ્ડરૂમ, ઈમરજન્સી વોર્ડ, માઈનોર ઓટી, ઓપીડી રૂમ, સોનોગ્રાફી, એકસ રે અને લેબોરેટરી એક ફાયર લીફ્ટ, જ્યારે પહેલા માળે મેલ ફીમેલ વોર્ડ, રીકવરી રૂમ, લેબર રૂમ, નવજાત બાળકો માટે NBSU, SNCU બે અઈસોલેશન રૂમ, સ્ટોર રૂમ, પીવાના પાણી સહિતની સુવિધાઓ હશે.
આ આરોગ્ય કેન્દ્ર અહી શરુ થયેથી નવા વિસ્તારો જેવા કે મહાપ્રભુજી બેઠક રોડ, ઠેબા ચોકડી નજીકનો વિસ્તાર, ગુલાબ નગર સહિતના વિસ્તારોના અંદાજે દોઢ લાખ લોકોને સીધી જ આરોગ્યલક્ષી સારવાર સુવિધાઓ ઘર નજીક જ મળી જશે અને હોસ્પીટલના દુર સુધીના ધક્કામાંથી મુક્તિ મળી જશે. આ બન્ને મહત્વના પ્રોજેક્ટ જામનગર શહેરના બન્ને ધારાસભ્યો, સાંસદ, મેયર, સ્ટે.કમિટી ચેરમેન, ડેપ્યુટી મેયર સહિતના મહાનુભાવોના સંકલનથી મ્યુ.કમિશ્નર ડી.એન.મોદી અને નાયબ કમિશ્નર બી.એન.જાનીના સીધા માર્ગદર્શનમાં લગત વિભાગ દ્વારા ખુબ ગુણવતા સાથેનું કામ થાય તે માટે નિયમિત સાઈટ વિઝીટ અને જરૂરી માર્ગદર્શન પૂરું પાડી રહ્યા છે.