દારૂ મળે એવી હોટલ નહી, દવા મળે એવી હોસ્પિટલની જરૂર છે..! જાણો કોના ટ્વીટથી શરૂ થઈ રાજ્યમાં મોટી ચર્ચા

યુવાઓને નશામાં ધકેલી પોતાની નિષ્ફળતા ભાજપ સરકાર છુપાવે છે.

દારૂ મળે એવી હોટલ નહી, દવા મળે એવી હોસ્પિટલની જરૂર છે..! જાણો કોના ટ્વીટથી શરૂ થઈ રાજ્યમાં મોટી ચર્ચા

Mysamachar.in-ગાંધીનગર:

રાજ્યના પાટનગર ગાંધીનગરના રેલવે સ્ટેશન પર તૈયાર કરવામાં આવેલી સરકારી માલિકીની હોટેલને લઈ વિપક્ષે ટોણો માર્યો છે. આ હોટેલમાં દારૂની પરવાનગીની પૈરવીઅંગે વિધાનસભા વિપક્ષના નેતા પરેશ ધાનાણીએ ભાજપ સરકાર પર પ્રહાર કર્યા છે. તેમણે એવું જણાવ્યું કે, ભાજપ સરકાર લોકોની અપેક્ષા પૂરી કરવામાં નિષ્ફળ ગઈ છે. યુવાઓને નશામાં ધકેલી પોતાની નિષ્ફળતા ભાજપ સરકાર છુપાવે છે. વિકાસના માત્ર સપના દેખાડે છે.

સમગ્ર ગુજરાતમાં દારૂની રેલમછેલ છે.આવી સ્થિતિમાં લોકો દવા પ્રાપ્ય થાય એવી માગ કરી રહ્યા છે. બીજી તરફ રાજ્ય સરકાર દારૂની પરમિશન આપી રહી છે. સરકારની આ લીલા ભવિષ્યમાં આ દારૂની દુકાન બની રહેશે. વિપક્ષ કોંગ્રેસે મુખ્યમંત્રી વિજય રૂપાણીને વિનંતી કરી છે કે, રાજ્યની પ્રજા માટે દવા અને હોસ્પિટલની વ્યવસ્થા કરો. દારૂની પેરવી સરકાર સંચાલિત હોટેલમાં થઈ રહી છે. આ ગુજરાતને દારૂની નહીં પણ દવાની જરૂર છે. આ અંગે પરેશ ધાનાણીએ ટ્વીટ કરી લખ્યું હતું કે, ગુજરાત રાજ્યમાં આજે દવા આપો દારૂ નહીં. સાહેબ અમને દવા જીવાડશે કે દારૂ? ગાંધી અને સરદારના આ ગુજરાતને દારૂ મળે એવી નહીં દવા મળે એવી હોસ્પિટલની જરૂર છે. ગાંધીનગર રેલવે સ્ટેશનને અપગ્રેડ કરીને ત્યાં વર્લ્ડ ક્લાસ ફાઈવ સ્ટાર હોટેલ તૈયાર કરવામાં આવી છે. સરકારે આ હોટેલ તૈયાર કરી ખાનગી એજન્સી લીલા ગ્રૂપને એનું સંચાલન સોંપી દીધું છે.

વિદેશથી અને બાહરના રાજ્યમાંથી આવતા મહેમાનોની સરભરા માટે આગામી સમયમાં હોટલમાં પરમિટ લિકર શોપ પણ ઉભી કરાશે. તેવી હાલ માત્ર ચર્ચાઓ છે, જો આવું થશે તો ગુજરાત સરકારની માલિકીની એવી હોટેલ કે ગેસ્ટ હાઉસ પર આ પહેલી હોટલ હશે જેમાં લિકર શોપ હશે. આ પહેલા કોંગ્રેસ નેતા અર્જુન મોઢવાડિયાએ કહ્યું હતું કે, પ્રજાના પૈસે ગાંધીનગર રેલવે સ્ટેશનની જમીન પર વૈભવી હોટલ ખડકી દીધી. તાયફા કરવામાં આવી રહ્યા છે. ભાજપ સરકારનું આ પ્રકારનું વર્તન પ્રજાની ઈજા પર મીઠું નાખવા સમાન છે તેવા પ્રહારો પણ કર્યા હતા.