ગુજરાતમાં પ્રચંડ પરાજયનાં ઢગલાબંધ કારણો આપતાં કોન્ગ્રેસ કહે છે.....

સૌરાષ્ટ્રમાં કેટલાંક આગેવાનોએ દિલ ખોલીને સાચી વાતો પણ કહી દીધી ! 

ગુજરાતમાં પ્રચંડ પરાજયનાં ઢગલાબંધ કારણો આપતાં કોન્ગ્રેસ કહે છે.....

Mysamachar.in-ગુજરાત:

ગુજરાતમાં એક જમાનામાં કોન્ગ્રેસનો દાયકાઓ સુધી દબદબો રહ્યો. વધુમાં વધુ વિધાનસભા બેઠકો મેળવવાનો કોંગ્રેસનો વિક્રમ વર્ષો સુધી અતૂટ રહ્યો, જે છેક તાજેતરની વિધાનસભા ચૂંટણીમાં ભાજપાએ તોડ્યો. અને, કોન્ગ્રેસને પ્રચંડ પરાજયનો સામનો કરવો પડ્યો. જો કે પાર્ટીએ આ કારમી હારનાં સંખ્યાબંધ કારણો પણ શોધી કાઢ્યા છે. 

કોન્ગ્રેસ પાર્ટીએ તાજેતરની વિધાનસભા ચૂંટણીમાં જે શરમજનક પરાજયનો સામનો કરવો પડ્યો તેનાંથી પક્ષને ઉંડો આઘાત લાગ્યો છે કેમ કે, 182માંથી કોન્ગ્રેસને માત્ર 17 બેઠકો જ પ્રાપ્ત થઈ. કુલ બેઠકની 10 ટકા બેઠકો પણ મેળવી ન શકાઈ તેથી પાર્ટીએ પરાજયનું પોસ્ટમોર્ટમ કર્યું. સમીક્ષામાં હારના ઢગલાબંધ કારણો સામે આવ્યા ! અને, સૌરાષ્ટ્રમાં તો અમુક આગેવાનોએ આ સમીક્ષા દરમિયાન પક્ષને સાચેસાચી વાતો જણાવી દીધી, જેનાં પર હવે આત્મચિંતન કરવાનું રહેશે. પાછલાં 27 વર્ષ દરમિયાન કોન્ગ્રેસ પાર્ટીનું ગુજરાત સંગઠન અતિ દુર્બળ બની ચૂક્યું છે કેમ કે આ સંગઠનને રાજ્યમાં સતાનો સ્પર્શ પણ નથી થયો.

કોન્ગ્રેસે શોધી કાઢેલાં પરાજયનાં કારણો આ રહ્યા

- અતિ નબળું સંગઠન, બૂથ સ્તરે મીસમેનેજમેન્ટ
- શાસકપક્ષ દ્વારા સરકારી મશીનરીનો બેફામ દુરૂપયોગ
- ત્રીજા પક્ષને કારણે કોન્ગ્રેસના કમિટેડ મતોનું મોટું વિભાજન
- શાસકપક્ષે ચૂંટણીમાં પાણીની માફક પૈસો વહાવ્યો જેની સામે કોન્ગ્રેસે નાણાખેંચનો સામનો કર્યો
- ઉમેદવારો જાહેર કરવામાં થયેલો વિલંબ અને પ્રચાર માટે ઉમેદવારોને મળેલો ઓછો સમય
- સંગઠનની નિષ્ક્રિયતા અને પક્ષનાં કેટલાંક નેતાઓની પક્ષવિરોધી પ્રવૃતિઓ
- ગત્ ચૂંટણીમાં જ્યાં ઓછાં મતો મળ્યા હતાં તે બેઠકો પર ભાજપાએ વધુ ધ્યાન આપ્યું
- કેટલાંક વિધાનસભા વિસ્તારમાં મતદારોએ ડરના માર્યા શાસકપક્ષને મતો આપ્યા

આ તમામ કારણો સાથેનો ઝોનવાઈઝ તૈયાર થયેલો આ સમીક્ષા રિપોર્ટ હાલ પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ જગદીશ ઠાકોર સુધી પહોંચ્યો છે, તેઓ આ રિપોર્ટ પાર્ટીનાં મોવડીમંડળને સોંપશે. જેને આધારે આગામી સમયમાં પક્ષમાં સંગઠન સ્તરે ઓપરેશનો થઈ શકે છે.