જામનગરમાં કોંગ્રેસ સક્રિય: દાવેદારોની સેન્સ લેવાની પ્રક્રિયાનો પ્રારંભ

ચૂંટણીમાં બેરોજગારી, શિક્ષણ અને ખેડૂતો સહિતનાં મુદ્દે મચાવશે ઘમાસાણ

જામનગરમાં કોંગ્રેસ સક્રિય: દાવેદારોની સેન્સ લેવાની પ્રક્રિયાનો પ્રારંભ
તસ્વીર:અમરીશ ચાંદ્રા

Mysamachar.in-જામનગર:

સમગ્ર રાજયની સાથે-સાથે જામનગર શહેર જિલ્લામાં પણ ચૂંટણીનો ચકરાવો અને મોટાં નેતાઓનાં ચક્કર તેમજ ચૂંટણી લડી લેવા ઈચ્છતા દાવેદારોની દોડાદોડી ક્રમશઃ વધી રહ્યા છે. ગત્ ચૂંટણીમાં મોઢાં સુધી આવી ચૂકેલો સતાનો લાડવો છેલ્લી ઘડીએ ગુમાવી દીધાના અફસોસ સાથે, આ વખતે વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસ કોઈ કસર છોડવા ન ઇચ્છે તે સમજી શકાય તેવી બાબત છે. કાલે ગુરુવારે જામનગરમાં પક્ષનાં પ્રભારી સહિતના વરિષ્ઠ આગેવાનોની સમિતિએ ચૂંટણી દાવેદારોની સેન્સ તથા સ્થાનિક આગેવાનોની ચૂંટણી સંબંધી વ્યૂહરચના જાણવા એક મહત્વપૂર્ણ બેઠક યોજી હતી.

ગુરૂવારે સાંજે 6:30 વાગ્યે લાલ બંગલા સર્કલ સ્થિત સર્કીટ હાઉસ ખાતે કોંગ્રેસના આગેવાનોએ આ બેઠક યોજી હતી. પ્રભારી રામકિશન ઓઝા, રાજ્યસભાના સાંસદ નારણ રાઠવા તથા વરિષ્ઠ અગ્રણી સિધ્ધાર્થ પટેલની સમિતિએ આ બેઠકમાં, આગામી વિધાનસભા ચૂંટણી લડવા ઈચ્છુક કોન્ગ્રેસના દાવેદારોની સેન્સ લેવાની પ્રક્રિયા હાથ ધરી હતી.

આ બેઠકમાં સૌ સાથે આગામી ચૂંટણીમાં કેવાં પ્રકારની વ્યૂહરચના ગોઠવવામાં આવશે તે અંગે પણ સંકેતો આપવામાં આવ્યા હતાં.ત્રણ સભ્યોની આ કમિટી સેન્સ મેળવ્યા પછીનો પોતાનો રિપોર્ટ પ્રદેશ કોંગ્રેસ સમિતિ હસ્તકની ઇલેક્શન કમિટીને સોંપશે. ત્યારબાદ ઇલેક્શન કમિટી રિપોર્ટનો અભ્યાસ કરી, ભલામણો સાથેનો વિસ્તૃત રિપોર્ટ દિલ્હી પક્ષનાં મોવડીઓને મોકલાવશે. જ્યાં સંભવિત નામો પર કેસ બાય કેસ રિપોર્ટનું વિશ્લેષણ અને ચર્ચા વિચારણા કરવામાં આવશે અને તે પછી ઉમેદવારો અંગે આખરી નિર્ણયો લેવામાં આવશે. સામાન્ય રીતે દરેક પક્ષમાં આ પ્રકારની પ્રક્રિયા થતી હોય છે. આ ઉપરાંત પ્રદેશ આગેવાનો અને રાષ્ટ્રીય આગેવાનો પોતાના અંગત સોર્સ મારફતે ચોક્કસ પ્રકારની માહિતી મેળવી લેતાં હોય છે, જે માહિતી નિર્ણય લેવામાં ઉપયોગી પૂરવાર થતી હોય છે. આ વખતે કોન્ગ્રેસ ઉમેદવારોની પસંદગી વધુ બારીકાઈથી કરશે એવું સમજાઈ રહ્યું છે.

-ચૂંટણીમાં શું હશે મુદ્દાઓ? 

સેન્સ મેળવવાં સાથે સાથે આગેવાનોએ સ્થાનિક પરિસ્થિતિ અંગે, મતદારોની લાગણીઓ અંગે પણ વિગતો એકત્ર કરી હોવાનું મનાય છે. આગામી ચૂંટણીમાં કોંગ્રેસ પાર્ટી બેરોજગારી, શિક્ષણ અને ખેડૂતોની તકલીફો તથા ખેતીના પ્રશ્નો સહિતના મુદ્દાઓ પર ઘમાસાણ મચાવશે તથા એ રીતે લોકવિશ્વાસ જિતવા એડીચોટીનંશ જોર લગાવશે એવું દેખાઈ રહ્યું છે. કોન્ગ્રેસ પક્ષ આમ આદમી પાર્ટીને ભાજપાની બી ટીમ લેખે છે. કોન્ગ્રેસ માને છે કે, શાસકપક્ષ વિરૂદ્ધના નારાજ મતદારોનાં મતોના વિભાજન માટે આ ચૂંટણીમાં આમ આદમી પાર્ટીને ઉતારવામાં આવી છે.

આ બેઠકમાં પૂર્વ સાંસદ વિક્રમ માડમ, અગ્રણીઓ ભીખુ વારોતરિયા, પ્રદેશ મંત્રી સહારા મકવાણા, જિલ્લા અધ્યક્ષ જીવણ કુંભરવાડિયા, શહેર કોંગ્રેસ અધ્યક્ષ દિગુભા જાડેજા, અન્ય આગેવાનો તથા દાવેદારો વગેરે મોટી સંખ્યામાં હાજર રહ્યા હતાં. આ વખતે દાવેદારોની સંખ્યા વધુ હોવાનું દેખાઈ રહ્યું છે. જે એમ દર્શાવે છે કે, પક્ષને આ વખતે વિજય અને સતા મળવાનાં સંજોગો ઉજળા જણાઈ રહ્યા છે.