Mysamachar.in:જામનગર
જામનગર જીલ્લા આરોગ્ય વિભાગ સુસ્ત છે, અને રૂટીનમાંથી બહાર નીકળવા માગતો નથી, બોગસ તબીબો ઝડપી પાડવા, ગેરકાયદેસર ગર્ભ પરીક્ષણ ઝડપી પાડવું, લોકોના આરોગ્ય સાથે થતા ચેડા સંદર્ભે કરવી જોઈતી કોઈ નક્કર કામગીરી આ વિભાગ કરતો હોય તેવું ક્યારેય દેખીતી રીતે જોવા મળતું નથી. એવામાં સ્ત્રી પુરુષનો સંખ્યાદર (સેક્સ રેશિયો) જળવાઈ રહે તે માટે જીલ્લાકક્ષાએ કમિટી અમલમાં છે, પણ છેલ્લે ક્યારે ગેરકાયદેસર ગર્ભ પરીક્ષણ ઝડપી પાડ્યું તે કદાચ જીલ્લાના આરોગ્ય વિભાગને પણ યાદ નહિ હોય…,
એવું નથી કે ગેરકાયદેસર ગર્ભ પરીક્ષણ થતું નથી ક્યાંક છાનેખૂણે ચાલતી આ પ્રક્રિયા બંધ થવી જોઈએ માટે જ કદાચ એટલે જ કલેકટરે તાજતેરમાં જ મળેલ પી.સી. & પી.એન.ડી.ટી.ની બેઠકમાં સભ્યોને ખાસ તો તાલુકામથકોએ આકસ્મિક ચેકિંગ કરવા સૂચનાઓ આપી છે. જામનગર જિલ્લા કલેકટર બી.એ.શાહના અધ્યક્ષસ્થાને પી.સી. & પી.એન.ડી.ટી. એક્ટ- 1994 ની સલાહકાર સમિતિના સભ્યો સાથે કલેકટર કચેરીના સભાખંડમાં બેઠક યોજાઈ હતી. બેઠકમાં સમિતિના સદસ્યો સાથે વિવિધ મુદ્દાઓ પર ચર્ચા- વિચારણા કરવામાં આવી હતી.
બેઠકમાં કલેકટર બી.એ.શાહ અને સદસ્યોએ જણાવ્યું કે, ફાયર એન.ઓ.સી. સર્ટિફિકેટ મળ્યા બાદ જ નવા કે જુના ક્લિનિક રજીસ્ટ્રેશન અને રીન્યુઅલ કરવામાં આવશે. તાલુકાઓમાં સેક્સ રેશિયો એટલે કે લિંગ ગુણોત્તર પ્રમાણની ગણતરીની કામગીરી વધારવી, તાલુકાઓમાં ક્વાર્ટરલી ચેકીંગ (ત્રિમાસિક તપાસ) ની બદલે સરપ્રાઈઝ ચેકીંગ કરવું, સોનોગ્રાફી સેન્ટરની મુલાકાત લઈને તેમનું ચેકીંગ કરાવવું, લોકોને જાગૃત કરવા જાગૃત્તિલક્ષી એસ.એમ.એસ. મોકલવા, નુક્કડ- નાટક ભજવવા, સમિતિના નવા અધ્યક્ષનું ચયન તેમજ ખાનગી ડોક્ટરને માહિતી આપવા માટે વર્કશોપનું આયોજન કરવું- આમ વિવિધ મુદ્દાઓ પર ખાસ ભાર મુકવામાં આવ્યો હતો.