જોડિયા ગામે ઉંડ નદીમાં થતી બેફામ રેતીચોરી સામે લગત વિભાગોના આંખ મિચામણા 

રાજકીય આકાઓની ઓથ મેળવીને રોજ લાખોનો દલ્લો ભેગો કરે છે મળતિયાઓ 

જોડિયા ગામે ઉંડ નદીમાં થતી બેફામ રેતીચોરી સામે લગત વિભાગોના આંખ મિચામણા 

Mysamachar.in-જામનગર:

જામનગર જીલ્લાના ભાદરા થી જોડિયા સુધી વહેતી ઉંડ નદીમાંથી ઘણા લાંબા સમયથી રેતીની મોટા પાયે ચોરી થઈ રહી છે. જોડિયા પાસે ઉંડ નદી ઉપર આવેલ પુલીયા પાસે તેમજ નદીની વચ્ચે રસ્તો બનાવી નદીમાં હુડકાથી રેતી ભરે છે તેમજ કુનડ ગામ પાસે પુલીયા નીચેથી રેતી ચોરી થઈ રહી છે. ડોબર ગામ પાસે ફોરેસ્ટ વિભાગની હદમાં દરીયાના કાંઠે રેતી ચોરી થઈ રહી છે આવા અનેક સ્થળે ઉંડ નદીમાં રેતી ચોરી થઈ રહી છે. જામનગર રાજકોટ મેઈન રોડ ઉપર આ ચોરાયેલી રેતીને ચારવામાં આવે છે અને ત્યારબાદ તેને ફરીથી ડમ્પરમાં લોડ કરવામાં આવે છે. આ પ્રકારની ગેરકાયદેસર પ્રવૃતિ મુખ્ય ધોરી માર્ગ ઉપર થઈ રહી છે તેમ છતાં આ વિસ્તારના સંબંધિત વિભાગોની જાણમાં નથી તે ખુબ જ આશ્ચર્યજનક બાબત છે. જોડિયા તાલુકાના પોલીસ સ્ટાફ, મામલતદાર, તલાટી મંત્રી, સરપંચ, ખાણ ખનીજ વિભાગ, આર. ટી. ઓ. વિભાગ વિગેરે સરકારી  વિભાગના કર્મચારીઓ અને અધિકારીઓ તેમજ સ્થાનિક આગેવાનો કોની લાજ કાઢે છે કે પછી...?

વધુમાં મંજુર થયેલ લીઝની જગ્યાએ બીજી જગ્યાએથી રેતી કાઢવામાં આવી રહી છે જે પણ એક ગંભીર બાબત છે અને આ અંગે લગત વિભાગ દ્વારા લીઝની સ્થળ તપાસ થવી જરૂરી છે. હાલમાં ખંભાળીયા પાસે મોરમ ભરેલા ડમ્પર સ્થાનિક જવાબદાર નાગરીકો દ્વારા પકડવામાં આવેલ અને લગત વિભાગને સોંપવામાં આવેલ તેવી બાબત સામે આવી હતી આ પ્રકારની ગેરકાયદેસર પ્રવૃતિમાં સંબંધિત વિભાગના કર્મચારીઓ અને અધિકારીઓની મિલાપીપણું હોવાનોં આક્ષેપ રજૂઆતકર્તા સામાજિક કાર્યકર અનવરભાઈ દ્વારા કરવામાં આવ્યો છે, શું આ બાબતે સંબંધિત વિભાગની જવાબદારી ફીકસ થતી નથી ? શું આ અંગે સબંધિત વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓ સામે કાર્યવાહી ન થવી જોઈએ.? શું સ્થાનિક ગ્રામ પંચાયતના સરપંચ અને તલાટી મંત્રીની સામે પગલાં ન લેવા જોઈએ ?

જો આ રીતે ચુપચાપ આ તમાસો જોયે રાખવામાં આવશે તો આ પ્રકારની ગેરકાયદેસર કામગીરીને પ્રોત્સાહન મળશે આ પ્રકારની ગેરકાયદેસર પ્રવૃત્તિ સ્થાનિક લેવલે કાયદો વ્યવસ્થાની કથળતી પરિસ્થિતિને ઉજાગર કરે છે. સરકારને આ રેતી ચોરીને કારણે કરોડો રૂપિયાનું નુકશાન થઈ રહ્યું છે અને જેને પ્રજાના પૈસામાંથી મોટી રકમનો પગાર ચુકવવામાં આવે છે અને જેની ફરજમાં આવે છે તે સંબંધિત વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓ આ બાબતે નિષ્ક્રીય કે બેદરકાર રહી કસુરવાર બને છે. અને આ અંગે તેની ફરજમાં બેદરકારી અને મિલાપીપણું સુચવે છે.

-કેટલાક રાજકીય આકાઓ અને તેના પરિવારજનો રેતીચોરીમાં ભાગીદાર:સૂત્ર
જોડીયાના જે વિસ્તારમાં જે રીતે બેફામ રેતીચોરી થઇ રહી છે તેમાં સ્થાનિક સુત્રો પાસેથી માહિતી મળે છે તેમ જામનગર જીલ્લાના કેટલાક અને સ્થાનિક કેટલાક રાજકીય આકાઓના પરિવારજનો આ રેતીચોરી કરતા તત્વો સાથે સંકળાયેલા છે અને તેને કારણે તંત્રને કાર્યવાહી કરવી હોય તો પણ રાજકીય ઓથ આગળ આવી જવાનું કેટલાક કિસ્સાઓમાં બન્યું છે.