ધારાસભ્ય હકુભાના ભાઈ પર જીવલેણ હુમલાના મામલે ફરિયાદ નોંધાઈ, 5 સામે ગુન્હો દાખલ 

સામા પક્ષે પણ ફરિયાદ નોંધાવી, ભારે ચકચાર 

ધારાસભ્ય હકુભાના ભાઈ પર જીવલેણ હુમલાના મામલે ફરિયાદ નોંધાઈ, 5 સામે ગુન્હો દાખલ 

Mysamachar.in:દેવભૂમિ દ્વારકા

રાજ્યના પૂર્વ મંત્રી અને જામનગરના ધારાસભ્ય હકુભા જાડેજાના ભાઈ રાજભા જાડેજા પર ગઈકાલે બપોરે દેવભૂમિ દ્વારકા જીલ્લાના નયારા કંપની નજીક હુમલો થવાને મામલે વિધિવત પોલીસ ફરિયાદ ખંભાળિયા પોલીસ મથકમાં નોંધાઈ છે. તે ફરિયાદ પ્રમાણે ખંભાળિયાથી જામનગર તરફ જતાં માર્ગે દેવળિયા ગામ પાસે આવેલી નયારા એનર્જી કંપનીમાં હાલ જામનગરમાં પટેલ કોલોની ખાતે રહેતા રવિરાજસિંહ રાજેન્દ્રસિંહ જાડેજા નામના 28 વર્ષીય કોન્ટ્રાક્ટર યુવાનની રવિરાજ કંપની દ્વારા કંપનીની અંદર આવેલી એસ.કે.બી. કંપનીમાં રો મટીરીયલ સપ્લાય કરવાનો કોન્ટ્રાક્ટ ચાલે છે.

આ કોન્ટ્રાક્ટ મેળવવાના હેતુથી લાલપુર તાલુકાના સિંગચ ગામના રેવતુભા જાડેજા દ્વારા પૂર્વયોજીત કાવતરુ રચીને ગઈકાલે સવારે નયારા કંપનીના પેટ્રોલિયમ-કેમિકલ્સના નવા પ્લાન્ટ પાસેના ગેઈટ નજીક ગેરકાયદેસર મંડળી રચી તેમની સાથે ઝાખર ગામના જુવાનસિંહ જાડેજા, સિધ્ધરાજસિંહ જાડેજા, જયદીપસિંહ ભરતસિંહ જાડેજા, તથા ધર્મેન્દ્રસિંહ નામના કુલ પાંચ શખ્સોએ લોખંડના સળીયા તથા લાકડાના ધોકા જેવા જીવલેણ હથિયારો સાથે ધસી આવ્યા હતા અને આ માર્ગ પર કંપનીમાં જઈ રહેલા ફરિયાદી રવિરાજસિંહ તથા તેમની સાથે રહેલા જામનગરના ધારાસભ્ય અને માજીમંત્રી ધર્મેન્દ્રસિંહ (હકુભા) જાડેજાના ભાઈ રાજેન્દ્રસિંહ જાડેજાને મારી નાખવાના ઇરાદે હથિયારો વડે તૂટી પડ્યા હતા. જેના કારણે રાજભા જાડેજા તથા રવિરાજસિંહ, સાહેદ ધર્મેન્દ્રસિંહ વિગેરેને લોહીલુહાણ હાલતમાં ગંભીર ઇજાઓ સાથે જામનગરની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

આમ, જીવલેણ હથિયારો સાથે તૂટી પડેલા આ શખ્સોએ જીવલેણ હુમલો કરી, જાનથી મારી નાખવાની ધમકી આપતા ખંભાળિયા પોલીસે રવિરાજસિંહ રાજેન્દ્રસિંહ જાડેજાની ફરિયાદ પરથી રાયોટિંગની કલમ 143, 144, 147, 148, 149, 307, 323, 324, 341, 504, 506 (2) 120(બી) તથા જી.પી. એક્ટની મુજબ ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.આ બનાવમાં સામા પક્ષે જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના સિંગચ ગામના રેવતુભા રણુભા જાડેજાએ ભાતેલ ગામના રાજભા મેરુજી જાડેજા, ભાતેલ ગામના રવિરાજસિંહ રાજભા જાડેજા, પીન્ટુભા જાડેજા, ઝાખર ગામના અજીતસિંહ ભીખુભા જાડેજા, ટિંબડી ગામના રમેશસિંહ જાડેજા અને જોગવડ ગામના રાજભા જાડેજા નામના છ શખસો સામે પોલીસમાં ધોરણસર ફરિયાદ નોંધવી આવી છે.

આ ફરિયાદમાં જાહેર થયેલી વિગત મુજબ ફરિયાદી રેવતુભા જાડેજાની ખોડીયાર કન્સ્ટ્રક્શન કંપની દ્વારા તેઓને નયારા કંપનીની અંદર આવેલી એસ.કે.બી. કંપનીમાં ફેબ્રીકેશનનું કોન્ટ્રાક્ટ કામ કરવામાં આવતું હોય, તેમને પણ કંપનીમાં માટી તથા કાંકરીના કોન્ટ્રાક્ટ બાબતે કંપનીમાં વાતચીત કરવા માટે જતાં આ સ્થળે રહેલા રાજભા જાડેજાએ ફોન ઉપર બિભત્સ ગાળો કાઢ્યા બાદ ગઈકાલે સવારે કંપનીના ગેઈટ પાસે અંદર જઈ રહેલા ફરિયાદી રેવતુભા તથા અન્ય સાહેદો જુવાનસિંહ વિગેરેની સ્વીફ્ટ મોટરકાર નંબર જી.જે. 10 ડી.એ. 4148 ને અટકાવી, આરોપીઓ લોખંડના પાઇપ, લોખંડના સળીયા, લાકડાના ધોકા, વિગેરે જેવા હથિયારો વડે તૂટી પડયા હતા.આ બનાવમાં ફરિયાદી રેવતુભા તથા તેમની સાથે સાહેદ જુવાનસિંહ, સિધ્ધરાજસિંહ, જયદીપસિંહ વિગેરેને પણ ઈજાઓ થતા તેઓને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ બનાવમાં સ્વિફ્ટ મોટરકારને પણ સારું એવું નુકશાન થયાનું પોલીસ ફરિયાદમાં જાહેર થયું છે.

ઉપરોકત બનાવ અંગે ખંભાળિયા પોલીસે આઈપીસી કલમ 143, 144, 147, 148, 149, 323, 324, 427, 504, 506 (2) તથા જી.પી. એક્ટની કલમ મુજબ ગુનો નોંધી ધોરણસર કાર્યવાહી હાથ ધરી છે.એક જ સમાજના બે જુથો વચ્ચે થયેલી આ અથડામણ એ જિલ્લાભરમાં ભારે ચકચાર જગાવી છે. રાજકીય નેતાના ભાઈ ઉપર જીવલેણ હુમલાના બનાવ બાદ જામનગર ખાતે ખાનગી હોસ્પીટલમાં મોટી સંખ્યામાં આગેવાનો, શુભેચ્છકો તથા કાર્યકરો હોસ્પિટલ ખાતે દોડી ગયા હતા.