વિજયરૂપાણીના અવાજવાળી કોલરટયુન મામલે ચુંટણીપંચમાં કોંગ્રેસની ફરિયાદ

આ મામલે શું કહ્યું રુપાણીએ તે પણ વાંચો

વિજયરૂપાણીના અવાજવાળી કોલરટયુન મામલે ચુંટણીપંચમાં કોંગ્રેસની ફરિયાદ
file image

Mysamachar.in-ગાંધીનગર

દેશમાં કોરોના મહામારી દરમિયાન પ્રથમ લૉકડાઉન થયું અને જનજાગૃતિ માટે મોબાઈલ ફોન પર કોલર ટ્યૂન શરુ કરવામાં આવી તેનાથી લોકો કંટાળી ગયાં હતાં અને તેને બંધ કરવા માટેની સોશિયલ મીડિયા પર ભારે ચર્ચાઓ થઈ હતી. ત્યારે ગુજરાતમાં હાલમાં મુખ્યમંત્રી રૂપાણીની કોલર ટ્યૂન શરુ કરાઈ છે. જેને લઈને કોંગ્રેસે વિરોધ ઉઠાવતાં ચૂંટણી પંચમાં ફરિયાદ કરી છે. કોંગ્રેસના પ્રવક્તા નીશિત વ્યાસે ચૂંટણી પંચમાં ફરિયાદ આપીને સીએમ રૂપાણી તથા ટેલિકોમ કંપનીઓ સામે પગલાં લેવા માંગ કરી છે.

ગુજરાત સરકાર કોરોનાના કારણે પ્રજાને માસ્ક ફરજિયાત પહેરવા, સામાજિક અંતર જાળવવા, સેનેટાઈઝર નો ઉપયોગ કરવાથી લઇને વારંવાર સાબુથી હાથ ધોવા વગેરે પ્રચાર અનેક વખત કરી ચૂકી છે. ત્યારે મુખ્યમંત્રી વિજય રૂપાણીના અવાજ વાળી ફોન કોલર ટ્યુને ભારે ચર્ચા જગાવી છે. ગુજરાતમાં મોબાઈલ ફોન કોલ્સ ડાયલ કરવામાં આવે ત્યારે મુખ્યમંત્રી વિજય રૂપાણીના અવાજમાં એક કોલર ટ્યૂન સાંભળવા મળે છે.

આગામી 3 નવેમ્બરે ગુજરાતમાં ખાલી પડેલી વિધાનસભાની 8 બેઠકો પર પેટાચૂંટણી યોજવાની છે. હવે આ ચૂંટણીને આડે માત્ર ગણતરીના દિવસો જ બાકી રહ્યાં છે. ત્યારે સીએમના અવાજમાં મોબાઈલ ફોન કોલ્સ દરમિયાન શરુઆતમાં સંભળાતી આ કોલર ટ્યૂન અંગે કોંગ્રેસે ચૂંટણી પંચમાં ફરીયાદ કરી છે, જો કે આ મામલે વિજયરૂપાણી ને પૂછવામાં આવ્યું ત્યારે તેણે કહ્યું કે ફોનમાં કોલર ટ્યુનમાં મારુ ક્યાંય નામ નથી ,જનજાગૃતિ માટે મારો અવાજ છે..તો કોંગ્રેસને કેમ પેટમાં દુઃખે છે...તે સમજાતું નથી તેવું નિવેદન તેમણે આપ્યું હતું.