Mysamachar.in-જામનગર
જામનગર મહાનગરપાલિકાના વોર્ડ નંબર 4 ના કોંગ્રેસના મહિલા નગરસેવીકાએ તાજેતરમાં આસી.કમિશ્ર્નર (વહીવટ)ની ઓફિસમાં ઘુસી કરેલી બોલાચાલી અંગે અધિકારીએ તેણીની સામે ફરજમાં રૂકાવટ અને જાહેરનામા ભંગ સબબ ફરિયાદ નોંધાવી છે. મહિલા નગરસેવીકાએ પરવાનગી વગર ઓફિસમાં ઘુસી ભયનું વાતાવરણ ઉભુ કરી, માસ્કના નિયમનો ભંગ કરતા ફોજદારી રાહે કાર્યવાહી કરવામાં આવી છે. તાજેતરમાં કોરોનાની પરિસ્થિતિને લઇને મહાનગરપાલિકા દ્વારા બેદરકારી દાખવવામાં આવતી હોવાના આક્ષેપો સાથે રચનાબેન મહાનગરપાલિકાના આસી.કમિશ્નર ડો.ભાર્ગવ ડાંગરની ચેમ્બરમાં ઘુસી ગયા હતા.
જયાં બન્ને વચ્ચે ઉગ્ર બોલચાલી થઇ હતી. અને મીડિયામાં પણ આ મુદ્દો ભારે ચર્ચાનો વિષય બન્યો હતો. આ સમગ્ર ઘટના બાદ જામનગર મહાનગરપાલિકાના આસી.કમિશ્નર ડો.ભાર્ગવ ડાંગર દ્વારા વોર્ડ.નં.4ના મહિલા કોર્પોરેટર રચના નંદાણીયા સામે આઇપીસી કલમ 186, 188, 269 અને એપેડેમીક ડીસીઝ એકટ મુજબ સીટી એ ડિવિઝન પોલીસ દફતરમાં ફરિયાદ નોંધાવી હતી. સીટી એ ડિવિઝન પોલીસે મહાનગરપાલિકાના નગરસેવીકા સામે ફરિયાદ નોંધી અટકાયત કરવા સહિતની આગળની કાર્યવાહી હાથ ધરી છે.