હોલીડે રિસોર્ટના બાઉન્સરો સામે નોંધાયો ગુન્હો..

આ વર્તન કેટલું યોગ્ય.?

હોલીડે રિસોર્ટના બાઉન્સરો સામે નોંધાયો ગુન્હો..
તસ્વીર:અમરીશ ચાંદ્રા

Mysamachar.in-જામનગર:

જામનગર-રાજકોટ હાઇવે પર જાંબુડા ગામ નજીક હોલીડે વોટર રિસોર્ટ આવેલો છે અને આ રિસોર્ટમા જામનગર આસપાસના લોકો ઉનાળા દરમ્યાન ન્હાવા માટે જતા હોય છે,પરંતુ નાની-અમથી બાબતોમાં પણ ગ્રાહકોને સહજતા થી સમજાવવાને બદલે રિસોર્ટના બાઉન્સરો દાદાગીરી પર ઉતરી આવતા હોવાનું ગત સાંજે વધુ એક વખત સામે આવ્યું છે,

જામનગરના ધરારનગર વિસ્તારમાં રહેતા હિતેન્દ્રસિંહ જાડેજા તેના મિત્રો સાથે ગઈકાલે હોલીડે વોટર રિસોર્ટમા ન્હાવા માટે ગયેલા હતા,ત્યારે તેના મિત્ર રાજદિપસિંહ મોબાઈલથી ફોટા પાડતા હોય ત્યાર્ર તેને સમજાવવાને બદલે રિસોર્ટના બાઉન્સરોએ તેની સાથે ઝગડો કરી ફોટા પાડવાની ના પાડતા બોલાચાલી કરી હતી અને રાજદિપસિંહને માર મારવા લાગ્યા હતા,જેથી તેના મિત્ર અને ફરિયાદી હિતેન્દ્રસિંહ જાડેજા પણ વચ્ચે પડી છોડાવવા જતા ત્રણ જેટલા બાઉન્સરોએ ધોકા અને પાઈપ વડે પાંચ જેટલા યુવકોને આડેધડ ગુંડાગીરી પર ઉતરેલા બાઉન્સરોએ માર માર્યો હતો,અને રિસોર્ટમા એક તબક્કે તો અફડાતફડી મચી જવા પામી હતી,

જે બાદ બાઉન્સરોના મારનો ભોગ બનેલા પાંચ યુવકોને જી.જી.હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા અને હિતેન્દ્રસિંહ જાડેજાની ફરિયાદને આધારે પંચકોશી એ ડિવિઝને પોલીસે બાઉન્સરો સામે ગુન્હો નોંધી તપાસ હાથ ધરી છે,અત્રે એ પણ ઉલ્લેખનીય છે કે આ જ રિસોર્ટના બાઉન્સરો આ પૂર્વે પણ ન્હાવા માટે આવતા લોકો સાથે દાદાગીરી કરી ચુક્યા છે.