કલ્યાણપુરમાં વેપારીને રકમ આપી તોતિંગ વ્યાજ વસુલ્યું અને મારી નાખવાની ધમકી આપનાર બે સામે ફરિયાદ

ટુકડે-ટુકડે 31 થી 32 લાખ રૂપિયા જેટલી રકમ પડાવી લીધી હતી.

કલ્યાણપુરમાં વેપારીને રકમ આપી તોતિંગ વ્યાજ વસુલ્યું અને મારી નાખવાની ધમકી આપનાર બે સામે ફરિયાદ

Mysamachar.in-દેવભૂમિ દ્વારકા

કલ્યાણપુર તાલુકાના ભાટીયા ગામે રહેતા એક વેપારી યુવાન સાથે ભાગીદારી કરી અને રોકડ રકમ આપ્યા બાદ આ રકમનું તોતિંગ વ્યાજ વસૂલ કરી, વધુ રૂપિયા પડાવી જાનથી મારી નાખવાની ધમકી આપવા સબબ ભોપલકા ગામના બે ભાઈઓ સામે ધોરણસર ફરિયાદ નોંધાવવામાં આવી છે. આ સમગ્ર બનાવની પોલીસ દફતરે જાહેર થયેલી વિગત મુજબ કલ્યાણપુર તાલુકાના ભાટીયા ગામે રહેતા અને વેપાર ધંધા સાથે સંકળાયેલા હેમતભાઈ ઉર્ફે ભીખુભાઈ ભીમાભાઇ નકુમ નામના 27 વર્ષીય સતવારા યુવાન દ્વારા કલ્યાણપુર તાલુકાના ભોપલકા ગામના રાજેન્દ્રસિંહ સજુભા જાડેજા તથા યુવરાજસિંહ સજુભા જાડેજા નામના બે શખ્સો પાસેથી ચોક્કસ રકમ લઈ અને તેમની શિવ એજન્સી નામની એક દુકાનમાં ભાગીદારી કરવામાં આવી હતી.

આશરે ત્રણેક વર્ષ પહેલા લીધેલી રકમના મેળવનાર વેપારી યુવાન હેમતભાઈએ ભરોસો અને વિશ્વાસ કેળવ્યા બાદ બન્ને આરોપી શખ્સો દ્વારા હેમતભાઈ પાસેથી ટુકડે-ટુકડે 31 થી 32 લાખ રૂપિયા જેટલી રકમ પડાવી લીધી હતી. આટલું જ નહીં, ફરિયાદીની શિવ એજન્સીમાં ચાલતી બોલેરો ગાડી પણ બન્ને ભાઈઓએ બળજબરીથી પડાવી લીધી હોવાનું પણ વધુમાં જાહેર થયું છે.

આટલુ જાણે ઓછું હોય તેમ બન્ને શખ્સો દ્વારા હેમતભાઈને વધુ ચાલીસ લાખ રૂપિયા આપવા દબાણ કરી અને પઠાણી વ્યાજ વસુલવા તથા ફરિયાદી હેમતભાઈ અને તેમના પરિવારને જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ધોરણસર ફરિયાદ કલ્યાણપુર પોલીસ મથકના નોંધવામાં આવી છે. આમ, ધીરધારના લાયસન્સ વગર પઠાણી રકમ વસૂલી અને ફરિયાદીના પરિવારને ભયના ઓથા હેઠળ જીવવા મજબૂર કરવા સબબ આ સમગ્ર પ્રકરણ દ્વારકા એલ.સી.બી.માં તપાસ અર્થે જતા હેમતભાઈ ઉર્ફે ભીખુભાઈ નકુમની ફરિયાદ પરથી પોલીસે બન્ને બંધુઓ સામે આઈ.પી.સી. કલમ 385, 386, 406, 420, 34 તથા ગુજરાત મનીલેન્ડ અધિનિયમ એક્ટની વિવિધ કલમ હેઠળ ગુનો નોંધી આગળની તપાસ પી.એસ.આઈ. એફ.બી. ગગનીયાએ હાથ ધરી છે.