Mysamachar.in-જામનગર
ગઈકાલે બપોરે જામનગર શહેરના સજુબા ગર્લ્સ હાઈસ્કુલ નજીક વાહનટોઈંગ કરવા માટે નીકળેલા પોલીસકર્મી અને એક દંપતી વચ્ચે ઉગ્ર બોલાચાલી અને હાથાપાઈની ઘટના સ્થાનીકોંએ મોબાઈલમાં કેદ કરી લીધી જે વિડીયો સમગ્ર ગુજરાતમાં વાયુવેગે વાઈરલ થઇ રહ્યો છે, આ ઘટના શરમજનક બન્ને પક્ષે એટલા માટે હતી કે વર્ધી પહેરલ પોલીસમેન સાથે દંપતીએ અયોગ્ય વ્યવહાર કર્યો તો સામેપક્ષે પોલીસ કર્મીની વરવી દાદાગીરી પણ વિડીયોમાં જોવા મળી અને એક મહિલાની પણ મર્યાદા ના જાળવી અને પોતે ગાળાગાળી અને હાથાપાઈ કરવા લાગ્યા હતા, પણ આ તમામ વચ્ચે માત્ર દંપતી વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી જે ટીકાને પાત્ર બની છે,
વાત કઈક એવી બની હતી કે શહેરના ટ્રાફિકથી ધમધમતા દીપક ટોકીઝ સજુબા સ્કુલ નજીક વાહન ટોઇંગ કરતા સમયે ટ્રાફિક પોલીસ અને એક દંપતી વચ્ચે ઝપાઝપી થતાં ટ્રાફિકજામ સર્જાયો હતો. દંપતીનું વાહન ટોઈંગ કરી લેવાતાં પોલીસ સાથે પહેલા ઉગ્ર બોલાચાલી અને બાદમાં ઝપાઝપી થઈ હતી. તો સામેની તરફ પોલીસ જવાને પણ પતિને ફડાકાવાળી અને ગાળાગાળી કરી હતી. પોલીસ અને દંપતી વચ્ચેની બબાલનો વીડિયો હાલ સોશિયલ મીડિયામાં વાઇરલ થઇ રહ્યો છે અને તે પોલીસકર્મીની ટીકા થઇ રહી છે,
ટ્રાફિક-પોલીસની ટોઈંગવાને સજુબા ગર્લ્સ હાઈસ્કૂલ નજીકથી વાહનો ટોઈંગ કરવાનું શરૂ કર્યું હતું. આ સમયે એક દપંતીની મોટરસાઇકલ પણ ટોઈંગ કરાતાં દંપતીએ ફરજ પરના ટ્રાફિક-પોલીસ જવાન સાથે બોલાચાલી કરી હતી, જેથી ટ્રાફિકપોલીસે યુવકનો કાંઠલો પકડી ઈમરજન્સી પોલીસને બોલાવી હતી. આ દરમિયાન જ યુવક અને તેની પત્નીએ પોલીસ સાથે ઝપાઝપી કરતાં મામલો ઉગ્ર બન્યો હતો. જાહેરમાં ઉગ્ર બોલાચાલી બાદ ઝપાઝપી થતાં પોલીસ જવાને યુવકને ફડાકા ઝીંક્યા હતા અને બાદમાં પત્નીની હાજરીમાં જ પોલીસ જવાન યુવકને ગંદી ગાળો કાઢતાં પણ વીડિયોમાં જોવા મળી રહ્યા છે.આ મામલે જેની સાથે ઝપાઝપી થઇ તે પોલીસકર્મીએ સંજય રામનાથ પાલ અને તેની પત્ની ભાનુબેન વિરુદ્ધ ફરજમાં રુકાવટ સહિતની કલમો હેઠળ ગુન્હો નોંધાવતા આ ફરિયાદ ટીકાને પાત્ર બની છે.