આણંદનાં કલેક્ટર પોતાની જ કચેરીમાં, મહિલા સાથે અંગત...
મુખ્યમંત્રીએ કલેક્ટર ડી.એસ.ગઢવીને સસ્પેન્ડ કરવાની સૂચના આપતાં સન્નાટો

Mysamachar.in:આણંદ
દેવભૂમિ દ્વારકા જિલ્લાનાં ખંભાળિયામાં ફરજ બજાવી ગયેલાં એક અધિકારીને ભૂતકાળમાં ગુજરાત સરકારે સસ્પેન્ડ કર્યા હતાં તે સમયે જેવો કોલાહલ મચ્યો હતો એવો ઉહાપોહ ફરી ઉઠયો છે. સરકારે આણંદનાં કલેક્ટરને સસ્પેન્ડ કર્યા છે. આ પાછળ એક ઉતેજક વીડિયો ક્લીપ જવાબદાર હોવાનું બહાર આવ્યું છે. મુખ્યમંત્રીએ આ અધિકારીને તાકીદે સસ્પેન્ડ કરવા સૂચના આપેલી. કલેક્ટર ડી.એસ.ગઢવીને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. તેઓ પોતાની કચેરીમાં એક મહિલા સાથે અયોગ્ય સ્થિતિમાં હોય, એ પ્રકારની એક વીડિયો કલીપ ખૂબ જ વાયરલ થયેલી. જે CMO નાં ધ્યાનમાં આવી જતાં સસ્પેન્સનનો આ હુકમ થયો છે. આ અધિકારીને સસ્પેન્ડ કરતાં હુકમમાં લખાયું છે કે, નૈતિક અધ:પતન અને ગેરશિસ્ત નાં કારણોસર આપને ફરજમોકૂફ કરવામાં આવે છે.
અત્રે ઉલ્લેખનિય છે કે, આ અધિકારી અગાઉ ખેડા જિલ્લામાં DDO હતાં ત્યારે અન્ય એક વિવાદમાં સપડાઈ ગયાં હતાં. હાલમાં આણંદ કલેક્ટરનો ચાર્જ ડીડીઓ મિલિંદ બોપન્નાને આપવામાં આવ્યો છે. સરકારે ડી.એસ.ગઢવીની કથિત ક્લીપની તપાસ પાંચ ઉચ્ચ મહિલા અધિકારીઓની ટીમને સોંપી છે. આ પ્રકરણને કારણે રાજયભરમાં અધિકારી વર્ગમાં ભારે ઉતેજના અને ચર્ચાઓ શરૂ થઈ છે.
જો કે ડી.એસ.ગઢવીએ પત્રકારોને જણાવ્યું છે કે, આ મેટર આઈટી રિલેટેડ હોય શકે છે. કયા વીડિયો અંગેની વાત છે એ મને ખ્યાલ નથી. બની શકે કે આઈટી રિલેટેડ કે પછી અન્ય કોઈ વીડિયો હોઈ શકે છે, પણ જો તપાસ કમિટી રચી હશે તો સરકારને હું પૂરતો સપોર્ટ કરીશ.