હાલારની સાતેય વિધાનસભા બેઠક પર ' ઠંડા સૂસવાટા ' : શું થશે ?! 

મતદારો જબરા પૂરવાર થયાં, છેક સુધી મન કળી શકાયું નહીં......

હાલારની સાતેય વિધાનસભા બેઠક પર ' ઠંડા સૂસવાટા ' : શું થશે ?! 
symbolice image

Mysamchar.in-જામનગર:દેવભૂમિ દ્વારકા:

વિધાનસભાની ચૂંટણીઓ છે, પણ ક્યાંય ગરમી નથી ! ઘણાંની ગરમી ઓછી પણ થઈ ગઈ હોય એવી ચર્ચાઓ ચાલી રહી છે. ડિસેમ્બર પહેલાં જ જામનગર સહિત સમગ્ર હાલારમાં રાજકીય ક્ષેત્રે ઠંડા સૂસવાટા ફૂંકાઈ રહ્યા છે. ઉમેદવારો અને રાજકીય પક્ષો દોડધામ કરી રહ્યા છે, ઠેકેદારો પણ બજારમાં કવાયત કરી રહ્યા છે પરંતુ મતદારોનો ઠંડો પ્રતિભાવ સૌને અકળામણનો અનુભવ કરાવી રહ્યો છે !

સામાન્ય રીતે કોઈ પણ નાની મોટી ચૂંટણી હોય, જનતામાં એક પ્રકારનો જબ્બર ઉમંગ અને ઉત્સાહથી ભરપૂર સામેલગીરી જોવા મળતી હોય છે. ઠેર-ઠેર ચૂંટણીઓની ચર્ચાઓ ચાલતી હોય. પાનનાં ગલ્લાઓ પર મતદારો પડાકા લગાવતાં હોય. ઠેર-ઠેર ઉમેદવારોનાં પ્રચાર સરઘસો અને કાર્યકરોની ઝંઝાવાતી પ્રચાર સ્ટાઈલ ઢોલ અને શરણાઈનાં સૂરો સાથે જોવા મળે. આ વખતે એવું કશું ન બન્યું ! મતદારોએ જાણે કે, મનમાં કાંઈક ગાંઠ વાળી લીધી છે અને કોઈને પણ ' મન કી બાત ' ન કહેવી એવું નક્કી કરી લીધું હોય, એવું વાતાવરણ હજુ સુધી, મતદાનનાં આગલા દિવસે પણ દેખાઈ રહ્યું છે !

હાલારની સાતેય વિધાનસભા બેઠક પર ઠંડા સૂસવાટા સિવાય કાંઈ નજરે ચડતું નથી ! મતદારોએ કોઈની પણ સમક્ષ પાછલાં સત્યાવીસ દિવસમાં પોતાનાં પતા ખોલ્યા નહીં ! ગત્ ત્રીજી નવેમ્બરે ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીઓ જાહેર થઈ ત્યારથી જ મતદારોએ મૌનવ્રત ધારણ કરી લીધું ! ઉમેદવારો અને આગેવાનો તથા કાર્યકરો મતદારો સમક્ષ બહુ નાચ્યા. પરંતુ મતદારોએ તાળીઓ પાડવાને બદલે માત્ર ખેલ જોયે રાખ્યા ! અમુક ઉમેદવારો તો શેરીઓમાં અને ગલીઓમાં પાંચ પંદર ' રોજમદારો' સાથે ઘૂમતાં રહ્યા, સૌને હાથ જોડતાં રહ્યા. સંમેલનો યોજતા રહ્યા. ફલાણી જ્ઞાતિ અમારી સાથે છે, એવી જાહેરાતો કરતાં રહ્યા. પોતાને મતોના સોદાગર અથવા ઠેકેદાર માનતાં લોકોએ, કોઈએ પૂછ્યું નહીં તો પણ જાહેર કર્યું કે, ફલાણાં સમાજનાં મતો ઢીંકણા પક્ષને મળશે ! પ્રચાર અને અપપ્રચાર થતાં રહ્યા. અફવાઓ ઉડાડવામાં આવી. પરંતુ મતદારો છેક સુધી મક્કમ રહ્યા. બધાંને કહ્યું: અમે તમારી સાથે ! 

આ બધાં મતદારો આવતીકાલે પહેલી ડિસેમ્બરે કોની સાથે રહેશે ?! એ પ્રશ્નનો જવાબ પક્ષો અને ઉમેદવારો પાસે તો નથી જ, રાજકીય પંડિતો પાસે પણ નથી ! માત્ર જામનગર કે હાલાર જ નહીં, સમગ્ર રાજ્યમાં વાતાવરણ આ છે ! ન જાણ્યું જાનકીનાથે, સવારે શું થવાનું છે ?! જામનગર અને દ્વારકા જિલ્લા સહિત સમગ્ર સૌરાષ્ટ્ર કચ્છ અને દક્ષિણ ગુજરાતમાં 89 બેઠકો માટેનાં મતદાનમાં " આવતીકાલે સવારથી" શું થશે ?! જાનકીનાથ સિવાય કોણ જાણી શકે ?!