ઠંડીનો ચમકારો: ત્રણેક દિવસ બાદ લઘુતમ તાપમાન ગગડી શકે છે....

બંગાળની ખાડીનું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પસાર થયા બાદ, ઠંડા અને સૂકાં પવનો ફૂંકાશે.....

ઠંડીનો ચમકારો: ત્રણેક દિવસ બાદ લઘુતમ તાપમાન ગગડી શકે છે....
file image

Mysamachar.in-જામનગર:

જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લાઓ સહિત સમગ્ર રાજયમાં શિયાળાનો ધીમા પગલે પ્રારંભ થયો છે પરંતુ હાજા ગગડાવતી ઠંડી હજુ હવે પડશે. હવામાન વિભાગનું અનુમાન એવું છે કે, એક વખત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પસાર થઈ જશે પછી ઠંડા અને સૂકાં પવનો સમગ્ર ગુજરાત પર ફૂંકાઈ શકે છે.  

જામનગરના તાપમાનના આંકડાઓ કહે છે કે, મહત્તમ તાપમાન ક્રમશ: ઘટી રહ્યું છે અને વાતાવરણમાં ભેજનું પ્રમાણ પણ ધીમેધીમે ઘટી રહ્યું હોય, સૂકાં પવનો આગામી દિવસોમાં ફૂંકાઈ શકે છે. જો કે લઘુતમ તાપમાન હજુ 21 ડિગ્રી આસપાસ જ રહે છે. હવામાન વિભાગ કહે છે, આગામી ત્રણચાર દિવસ દરમિયાન બંગાળની ખાડીમાં ઉદભવેલું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ઉત્તર અને ઉત્તર પૂર્વ તરફ આગળ વધી બાંગ્લાદેશના દરિયાકિનારે લેન્ડ ફોલ કરી શકે છે.

એક વખત આ ભૌગોલિક ડેવલપમેન્ટ થઈ જશે ત્યારબાદ ઉત્તરીય પહાડી પ્રદેશની હિમવર્ષા તથા દક્ષિણના રાજયોના છૂટાંછવાયા વરસાદને કારણે ગુજરાત પર ઠંડા અને સૂકાં પવનો ફૂંકાઈ શકે છે. હવામાનનો આ ફેરફાર 21-22 નવેમ્બર આસપાસ જોવા મળી શકે છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પસાર થતાં જ ઓડિશા સહિતના દક્ષિણી રાજયોમાં હળવો વરસાદ વરસી શકે છે.

આબોહવાનું આ પરિવર્તન ગુજરાતમાં લઘુતમ તાપમાનના આંકને હાલના 21-22 ડિગ્રીથી 16-18 ડિગ્રી સુધી નીચે લઈ જઈ શકે છે. આગામી 22 તારીખ આસપાસ જો આમ થશે તો જામનગર સહિત સમગ્ર રાજયમાં ઠંડીનો પ્રથમ અને નોંધપાત્ર દૌર શરૂ થઈ શકે છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની તાકાત અને વ્યાપ પર આ બધી બાબતો આધારિત હોવાનું હાલ દેખાઈ રહ્યું છે. એકંદરે દર વર્ષની જેમ આ વર્ષે પણ નવેમ્બરના અંતભાગથી ગુજરાતમાં શિયાળાની કાતિલ ઠંડીનો અનુભવ શરૂ થવાની સંભાવનાઓ હાલ જણાઈ રહી છે. જો કે હજુ સુધી પવનની ગતિ મર્યાદિત રહી છે, જે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પસાર થયા બાદ વધવા સંભવ છે.