Mysamachar.in-અમદાવાદ
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ અષાઢી બીજના પાવન અવસરે 144 મી જગન્નાથ રથયાત્રાને પ્રસ્થાન કરાવતા પૂર્વે અમદાવાદમાં ભગવાન જગન્નાથજીના રથનું અને ભગવાનનું પૂજન-અર્ચન વહેલી સવારે મંદિર પરિસરમાં કર્યું હતું. વિજય રૂપાણી સતત પાંચમી વાર ભગવાન જગન્નાથની રથયાત્રાની પહિન્દ વિધિનું સૌભાગ્ય પ્રાપ્ત થયું છે, નાયબ મુખ્યમંત્રી નીતિનપટેલ તથા ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજા પણ આ વિધિમાં ભક્તિભાવ પૂર્વક સહભાગી થયા હતા.
મુખ્યમંત્રીએ દરવર્ષે અષાઢીબીજે પરંપરાગત યોજાતી રથયાત્રામાં આ વર્ષે પણ ભગવાનના રથની અને રથ યાત્રાના મંદિરથી પ્રસ્થાન માર્ગની સોનાની સાવરણીથી સેવા સફાઈ કરી પહિંદ વિધિ સંપ્પન કરી હતી. મુખ્યમંત્રીએ અષાઢી બીજે કચ્છી નૂતન વર્ષ અવસરે કચ્છી સમાજના સૌ ભાઈ બહેનોને નવા વર્ષની શુભેચ્છાઓ આપી હતી. મુખ્યમંત્રીએ જણાવ્યું કે, કોરોના વાઈરસના સંક્રમણને કારણે આ વર્ષે કોવીડ પ્રોટોકોલ પ્રમાણે રથયાત્રા યોજાઈ છે. ભગવાન જગન્નાથના દર્શન કરીને દેશ અને ગુજરાત રાજ્ય કોરોના મહામારીમાંથી બહાર આવી કોરોના મુક્ત રાજ્ય બને તેવી પ્રાર્થના કરી છે. સમગ્ર રાજ્યમાં સ્થિતિ પૂર્વવત બને તેવી ભગવાન જગન્નાથને પ્રાર્થના કરી છે.
આજે અષાઢી બીજ કચ્છી સમાજના લોકોના નવ વર્ષની શરૂઆત પ્રસંગે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કચ્છી સમાજના લોકોને નૂતન વર્ષની શુભેચ્છાઓ પાઠવી હતી. ભગવાન જગન્નાથ અને સુભદ્રાજી તથા બલભદ્રના રથ શહેરમાં નગરચર્યાએ નીકળ્યા છે પરંતુ નગરજનો ઘરે બેઠા દર્શનનો લાભ લે તે જરૂરી છે તેવી તેમણે અપિલ કરી હતી. ઘરે બેઠા દર્શનનો લહાવો નગરજનો મેળવી શકે તે માટે ની તમામ વ્યવસ્થાઓ કરાઈ છે.