Mysamachar.in-ગાંધીનગર:
કોરોનાના કહેર વચ્ચે આતુરતાથી વેક્સીનની રાહ જોવાઈ રહી છે. ગુજરાતમાં ટૂંક સમયમાં જ વેક્સીન આપવાની શરૂઆત થશે, જેના માટે હાલ પ્લાનિંગ ચાલી રહ્યું છે. એવામાં વેક્સિનેશન માટે ગુજરાત સરકાર રાજ્યમાં તમામ રીતે સજ્જ બની છે. પ્રથમ તબક્કે 3.96 લાખ હેલ્થ વર્કર્સને રસી મુકાશે. પછી તબક્કાવાર તમામ નાગરિકોને રસી અપાશે તેવું નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યું છે. મતદાન માટેના પોલિંગબૂથની જેમ 47796 વેક્સિનેશન સેન્ટરો તથા વેક્સિન આપવા 15534 કર્મચારીઓની ટીમ બનાવાઇ છે.વધુમાં નીતિન પટેલે કહ્યું કે, વેક્સિનેશન માટે 33 જિલ્લા, તમામ તાલુકા, 8 મહાનગરપાલિકામાં ટાસ્ક ફોર્સની રચના કરાઇ છે. જેમાં સરકારે 6 ઝોનમાં મોટા કોલ્ડ સ્ટોરેજ ગાંધીનગર, અમદાવાદ, રાજકોટ, સુરત, વડોદરા અને રાજકોટમાં રખાયા છે. આ સિવાય 41 જિલ્લા અને કોર્પોરેશન વિસ્તારમાં પણ કોલ્ડ સ્ટોરેજની વ્યવસ્થા કરી છે.
તો નાગરિકોને કયા તારીખ, સમય અને સ્થળે રસી મૂકાવવા માટે આવવાનું છે, તેની જાણ તેમને એસએમએસ દ્વારા કરાશે. આ માટેની સિસ્ટમ પણ તૈયાર કરવામાં આવી છે. નીતિન પટેલે કહ્યું કે રસીનો દર કેટલો હશે, લોકો પાસેથી ચાર્જ લેવાશે કે નહીં? તેનો નિર્ણય લેવાયો નથી. પરંતુ સરકારી કર્મચારીઓ કે જેઓ કોરોના વોરિયર્સ તરીકે સેવા કરે છે, તેમનો ખર્ચ સરકાર ઉઠાવશે. વેક્સિનેશનની કામગીરી રાજ્ય સરકારના બજેટમાંથી કે ખાસ ફંડ ઉભું કરીને પૂર્ણ કરાશે.નીતિન પટેલે કહ્યું કે, ગુજરાતમાં ટ્રાયલ વેક્સિન દરમિયાન અત્યાર સુધીમાં કુલ 100 વોલન્ટિયર્સને રસી મૂકાઇ છે. જેમાંના કોઇને પણ કોઇ પ્રકારની આડઅસર થઇ નથી.
ફાયઝર કંપનીની રસીના સ્ટોરેજ માટે -70 ડિગ્રી તાપમાન જરૂરી છે, અને ગુજરાત પાસે મહત્તમ -25 ડિગ્રી સુધીના સ્ટોરેજની ક્ષમતા છે. આ અંગેના પ્રશ્નના જવાબમાં નીતિન પટેલે કહ્યું હતું કે, આપણી વ્યવસ્થા, હવામાન પ્રમાણેની રસી આપણે ઉપયોગમાં લઇશું.નાયબ મુખ્યમંત્રી પટેલે ઉમેર્યુ કે, રાજ્યના તમામ 33 જિલ્લા અને 248 તાલુકા અને કોર્પોરેશન કક્ષાએ ટાસ્ફ ફોર્સની રચના કરવામાં આવી છે. એટલું જ નહીં, આ ટાસ્ક ફોર્સે જરૂરી આયોજન પણ કરી લીધું છે. તેમણે ઉમેર્યુ કે, ભારત સરકારની ગાઇડલાઇન મુજબ ગુજરાતે વેક્સિનેશન માટેનું આયોજન શરૂ કરી દીધુ છે.
પ્રથમ તબક્કામાં હેલ્થકેર વર્કર્સની માહિતી તૈયાર કરવામાં આવી રહી છે. આજ સુધીમાં રાજ્ય સરકારના 2.71 લાખ આરોગ્યકર્મીઓ અને 1.25 લાખ ખાનગી આરોગ્ય કર્મીઓ મળીને કુલ ૩.96 લાખ હેલ્થકેર વર્કસની માહિતી એકત્ર કરવામાં આવી છે. બીજા તબક્કામાં ફ્રન્ટલાઇન વર્કર જેવા કે હોમગાર્ડ્સ, પોલીસ, સફાઇકર્મી વિગેરેને આવરી લેવાનું આયોજન કરવામાં આવ્યું છે. કેન્દ્ર સરકારની સૂચના મુજબ બીજા વિભાગના ફ્રન્ટ લાઇન વર્કરોની માહિતી તૈયાર કરવા કમિટિની રચના કરવા જણાવાયું છે. 50 વર્ષથી વધુ ઉંમર ધરાવતા સીનીયર સીટીઝનની માહિતી પણ તૈયાર કરવા માટે સૂચના આપી દેવામાં આવી છે. કોવિડ વેક્સિન અને લાભાર્થીના ચેકીંગ માટે ભારત સરકાર દ્વારા cowin software બનાવવામાં આવ્યું છે.
જિલ્લા અને કોર્પોરેશન દ્વારા પણ આ સોફ્ટવેરમાં રસીકરણના સ્થળ અને વેક્સિનેટરની માહિતીની એન્ટ્રી શરૂ કરી દેવામાં આવી છે.રસીકરણના મોનીટરીંગ માટે રાજ્યકક્ષાએ મીશન ડાયરેકટર એન.એચ.એમ.ને નોડલ ઓફિસર તરીકે નીમી દેવાયા છે. જ્યારે જિલ્લા અને કોર્પોરેશન કક્ષાએ કલેક્ટર અને મ્યુનિસિપલ કમિશનર નોડલ અધિકારી તરીકે નિયુક્તી કરવામાં આવી છે. રાજ્યકક્ષાએ મુખ્ય સચિવના અધ્યક્ષે કાર્યક્રમની પ્રગતિનો રીવ્યુ કરાશે તથા આરોગ્ય સચિવના અધ્યક્ષમાં સ્ટેટ ટાસ્ક ફોર્સની રચના કરી દેવાઇ છે. આ કમિટિ રસીકરણ અંગે સતત મોનીટરીંગ કરશે.