Mysamachar.in-જામનગર;
જામનગર જિલ્લામાં વિધાનસભાની ચૂંટણીનો મતદાનનો દિવસ જેમજેમ નજીક આવી રહ્યો છે તેમતેમ ખાસ કરીને જામજોધપુર-લાલપુર પંથકમાં સર્વત્ર કેસરિયો છવાઈ ગયો છે. આજે સોમવારે સવારે ભાજપાનાં ઉમેદવાર ચીમનભાઈ શાપરિયાનો ભવ્ય રોડ-શો યોજવામાં આવ્યો હતો, જેમાં હજારો લોકો જોડાયા હતાં. આ ઉપરાંત શનિવારે તથા રવિવારે વિધાનસભા મતવિસ્તારમાં ગ્રામ્ય વિસ્તારોમાં ચૂંટણી પ્રવાસ દરમિયાન પણ ચીમનભાઈ છવાઈ ગયાં હતાં.
મતદાન આડે હવે ગણતરીના કલાકો માંડ બચ્યા છે. અને, આવતીકાલે 29મીએ સાંજે તો જાહેર પ્રચારનાં પડઘમ પણ બંધ થઈ જશે. એ પહેલાં આજે સોમવારે સવારે જામજોધપુર-લાલપુર વિધાનસભા બેઠક પરનાં ભાજપાનાં ઉમેદવાર ચીમનભાઈ શાપરિયાનો ભવ્ય રોડ-શો જામજોધપુરમાં ધ્રાફા ફાટકથી શરૂ થયો હતો જેમાં હજારો લોકો જોડાયા હતાં. રોડ-શો જામજોધપુરમાં મુખ્ય માર્ગો પર ઘૂમ્યો ત્યારે સમગ્ર શહેરમાં કેસરિયુ વાતાવરણ જોવા મળ્યું હતું. સંખ્યાબંધ પુરૂષો અને મહિલાઓ આ રોડ-શો માં જોડાયા હતાં.
જામજોધપુરમાં આજે કાર્યાલયથી મિનિ બસ સ્ટેન્ડ , ગાંધી ચોક ,સ્ટેશન રોડ, આઝાદ ચોક, લીમડા ચોક , ખરાવાડ, ચોરા પાસે સુભાષ રોડ ,બેરિસ્ટર ચોક સહિતના વિસ્તારમાં લોકસંપર્ક કર્યો, લોકસંપર્ક દરમિયાન વેપારીઓ સાથે મુલાકાત કરી વેપારીઓ દ્વારા ફુલહાર કરાયા, તેમની શુભેચ્છાઓ પ્રાપ્ત કરી સાથે આ રોડ શો માં શહેરના તમામ આગેવાનો, હોદેદારો અને ભારતીય જનતા પાર્ટીની ટીમ, કાર્યકર્તાઓ ,બહેનો અને શહેરીજનો બહોળી સંખ્યામાં જોડાયા હતા અને સમગ્રતયા જાણે વાતાવરણ કેશરિયુ બની જવા પામ્યું હતું.
આ ઉપરાંત જામજોધપુર તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં કાલે રવિવારે ઉમેદવાર ચીમનભાઈ શાપરિયાએ ચૂંટણી પ્રવાસ પણ કર્યો હતો. તેઓનાં ચૂંટણી પ્રવાસનો કાલે રવિવારે અગિયારમો દિવસ હતો. અગિયાર દિવસ દરમિયાન તેઓનાં ચૂંટણી પ્રચાર કાફલાએ જામજોધપુર અને લાલપુર પંથકમાં એક એક ગામમાં મુલાકાતો લીધી છે. સેંકડો સ્થાનિક આગેવાનો અને કાર્યકરો મોટી સંખ્યામાં આ ચૂંટણી પ્રચારમાં જોડાયા હતાં. મતદારોએ ડબલ એન્જિન સરકારની વિકાસલક્ષી રાજનીતિમાં ભરોસો વ્યક્ત કર્યો છે. ઠેરઠેર ચીમનભાઈ તથા તેઓનાં કાફલાનુ સ્વાગત સન્માન થઈ રહ્યું છે.
કાલે રવિવારે ચીમનભાઈ શાપરિયાએ પક્ષનાં જિલ્લાના હોદેદારો, આગેવાનો અને કાર્યકરો સાથે જામજોધપુર તાલુકાના લુવારસર, શેઠવડાળા, સંગચિરોડા, વસંતપુર, વાનાવડ, કૃષ્ણગઢ, જોગરા, ચોખંડા, શેઢાખાઈ, કબરકા, ભોરિયો, ફોટડી, બોડકી, માનપર ઉપરાંત લાલપુર તાલુકાના કાટકોલા સહિતના ગામોમાં ચૂંટણી પ્રચાર કર્યો હતો. જ્યાં તેઓનાં કાફલાને ખૂબ જ આવકાર અને સમર્થન મળ્યું હતું.