ચડ્ડી ગેંગ આવી પોલીસના હાથમા, ગુજરાતના આ જિલ્લાઓમાં મચાવી દીધો હતો તરખાટ

શા માટે ચડ્ડી ગેંગ એમ કહેવાય છે તે પણ જાણો

ચડ્ડી ગેંગ આવી પોલીસના હાથમા, ગુજરાતના આ જિલ્લાઓમાં મચાવી દીધો હતો તરખાટ

Mysamachar.in-સાબરકાંઠા

ચડ્ડી ગેંગ...નામ સાંભળીને આશ્ચય લાગે પણ હા ચડ્ડી ગેંગ લાગી છે પોલીસને હાથ સાબરકાંઠાની પ્રાંતિજ પોલીસે ગુજરાતના કેટલાય જિલ્લાઓમાં તરખાટ મચાવતી ચડ્ડી ગેંગને દબોચી લીધી છે. આ ગેંગે અમદાવાદ, વડોદરા, ગાંધીનગર, અમરેલી, સાબરકાંઠા સહિત રાજ્યમાં વિવિધ સ્થળે 35 ચોરીને અંજામ આપ્યો હતો. પ્રાંતિજ પોલીસે ચડ્ડી ગેંગના 3 સભ્યોને દબોચીને રાજ્યવ્યાપી ચોરી કરતી ગેંગને ઝડપીને મોટી સફળતા હાંસલ કરી છે.

પોલીસને માહિતી મળી હતી કે ચડ્ડી ગેંગ દાહોદ જિલ્લાના ગરબાડા તાલુકાના સરસોડા ગામની છે. તેમજ તેના 3 સભ્યો એન જી પ્લાન્ટ ગઢોડા રહીને રોડનું કામ કરે છે. તેથી પોલીસે કડક પૂછપરછ કરતા ત્રણેય શખ્સોએ એરોના કંપનીની રૂ. 6 લાખની ચોરી કબૂલી લીધી હતી. આ સિવાય રાજ્યની અન્ય ચોરીઓની કબૂલાત પણ કરી હતી.

ગરબાડાના સરસોડાની ચડ્ડી ગેંગના સભ્યો ચોરીને અંજામ આપવા માટે પોતાના શરીરે ચડ્ડી સિવાય અન્ય વસ્ત્રો પહેરતા ન હતા. ચોરી કરતા કોઈ આવી જાય કે ભાગવામાં કોઈ ઊંચી દિવાલ સરળતાથી કૂદી શકે એટલે ચડ્ડી પહેરતા હતા. આ સિવાય કોઈના હાથે સરળતાથી પકડાય ન એટલે અને પોતાની ઓળખ છતી ન થાય એટલે ચડ્ડી ગેંગના સભ્યો ચડ્ડી પહેરીને ચોરીને અંજામ આપતી હતી. ઉપરાંત ગેંગના સભ્યો પોતાની સાથે પથ્થરો પણ રાખે છે જેથી કોઈ અડચણ ઊભી થાય તો છૂટ્ટા પથ્થર મારીને ત્યાંથી પલાયન થઈ જતા.

આ ગેંગ ખૂબ જ ચાલાક છે અને આધુનિક પધ્ધતિથી વાકેફ છે. તે ચોરી, લૂંટ અને ધાડ પાડવાની ગુનાહિત માનસિકતા ધરાવે છે. પોલીસે હાલ ગરબાડાના સરસોડાની ચડ્ડી ગેંગના સભ્યો વિજયકુમાર શકરાભાઈ બારીયા, મુમેશભાઈ રાયસિંગભાઈ બારીયા, મુકેશભાઈ દિપાભાઈ પલાસની ધરપકડ કરી છે.