CGSTનો ઈન્સ્પેક્ટર લાંચ લેતો ઝડપાયો...

વેપારીના વકીલને દબડાવીને લાંચની માંગણી કરવામાં આવેલી....

CGSTનો ઈન્સ્પેક્ટર લાંચ લેતો ઝડપાયો...
file image

Mysamachar.in-અમદાવાદ;

થોડાં થોડાં સમયે GST  સહિતના કેટલાંક તંત્રો બજારોમાં એવી હવા વહેતી મૂકે છે કે, આગામી સમયમાં આટલાં હજાર વેપારીઓને નોટિસો આપવામાં આવશે અથવા દરોડા પાડવામાં આવશે અથવા નોટિસો આપવામાં આવી છે- એવું જાહેર કરવામાં આવે છે, પછી શરૂ થાય છે લાંચની માંગણીનો ખેલ. આ પ્રકારના એક કેસમાં એક CGST ઈન્સ્પેક્ટર લાંચ લેતો ઝડપાઈ ગયો છે.અમદાવાદમાં આંબાવાડી વિસ્તારમાં GST ભવન આવેલું છે. આ સરકારી કચેરીમાં જ, આ ઈન્સ્પેક્ટરે લાંચ લેવાનો મામલો ગોઠવ્યો પરંતુ ઝડપાઈ ગયો. CGSTના ઈન્સ્પેક્ટર અરવિંદકુમાર લખેન્દ્રસિંહે એક ટેક્સ કન્સલ્ટન્ટને કહેલું કે, તમારાં ફલાણા અસીલે સરકારમાં સર્વિસ ટેક્સ પેટે રૂ. 15 લાખ ભરવાના થાય છે. 

આ કેસમાં અગાઉ ટેક્સ કન્સલ્ટન્ટના અસીલને વિભાગ દ્વારા સર્વિસ ટેક્સ ભરી જવા અંગે નોટિસ આપવામાં આવેલી. ત્યારબાદ કન્સલ્ટન્ટ અસીલ વતી હિઅરિંગમાં હાજર રહ્યા અને લેખિતમાં જવાબ પણ દાખલ કર્યો કે, તેના અસીલને આ મામલામાં કોઈ જ સર્વિસ ટેક્સ ભરવાનો થતો નથી. આમ છતાં આ ઈન્સ્પેક્ટરે કન્સલ્ટન્ટને કહ્યું,  તમારાં અસીલે રૂ. 15 લાખ ભરવા જ પડશે અને સરકારમાં આ નાણાં ન ભરવા હોય તો, રૂ. દોઢ લાખ આપવા પડશે. આ અંગે કન્સલ્ટન્ટે ACB નો સંપર્ક સાધી આ ઈન્સ્પેક્ટર વિરુદ્ધ લાંચનું છટકું ગોઠવ્યું. બાદમાં આ ઈન્સ્પેક્ટર રૂ. 1.5 લાખની લાંચ લેતો છટકાંમાં ઝડપાઈ ગયો અને ACB ટીમે લાંચની આ રકમ તેનાં કબજામાંથી રિકવર પણ કરી છે અને તેની વિરુદ્ધ ગુનો દાખલ કર્યો છે.