Mysamachar.in:ગુજરાત
જૂની અને નવી પેન્શન યોજના વચ્ચેની પસંદગી ગુજરાત સહિત ભારતીય કર્મચારી જગતમાં મોટાં ગજગ્રાહનો મુદ્દો બની ચૂક્યો છે. કેન્દ્ર સરકારનું વલણ અત્યાર સુધી આ બાબતે સ્પષ્ટ હતું. હવે પ્રથમ વખત સરકાર નરમ રૂખ ધારણ કરી રહી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, આવતાં વર્ષે લોકસભાની ચૂંટણી આવી રહી છે. ઉપરાંત કેટલાંક બિનભાજપી રાજ્યોએ કેન્દ્ર સરકારથી વિપરીત વલણ અખત્યાર કરી, પોતાના રાજ્યોમાં જૂની પેન્શન યોજના અમલમાં મૂકી છે.
કેન્દ્ર સરકારે ગત્ વર્ષે સંસદમાં એવું જાહેર કર્યું હતું કે, 1 જાન્યુઆરી – 2004 પછી ભરતી કરવામાં આવેલાં કેન્દ્ર સરકારનાં કર્મચારીઓનાં સંદર્ભમાં ઓલ્ડ પેન્શન સ્કીમ લાગુ કરવા સંબંધે કોઈ પણ પ્રસ્તાવ પર સરકાર વિચાર કરી રહી નથી. અત્રે ઉલ્લેખનીય છે કે, કેટલાંક બિનભાજપી રાજ્યોએ પોતાનાં રાજ્યોમાં જૂની પેન્શન યોજના ફરીથી લાગુ કરી છે. અને, બાકીના ઘણાં બધાં રાજ્યોમાં કર્મચારીઓ જૂની પેન્શન યોજના લાગુ કરવા પોતાની માંગણી બળવત્તર બનાવી રહ્યા છે, ત્યારબાદ કેન્દ્રીય નાણામંત્રીએ પેન્શન યોજનાની સમીક્ષા અંગેની જાહેરાત કરવાનું પસંદ કર્યું છે. આ માટે એક સમિતિની રચના પણ કરવામાં આવી છે.
રાજસ્થાન, છતીસગઢ, પંજાબ, ઝારખંડ અને હિમાચલ પ્રદેશની રાજય સરકારોએ પોતાના રાજ્યોમાં જૂની પેન્શન યોજના લાગુ કરવાનાં નિર્ણયની કેન્દ્ર સરકારને જાણ કરી દીધી છે. અને, આ રાજયોએ કેન્દ્ર સરકારને એમ પણ કહ્યું છે કે, કેન્દ્ર સરકાર દ્વારા NPS હેઠળ એકત્ર કરવામાં આવેલું ભંડોળ રાજ્યોને પરત કરવામાં આવે. બિનભાજપી રાજ્યોની આ હિલચાલ બાદ કેન્દ્ર સરકારે પેન્શન યોજના સંબંધે સમીક્ષા કરવાનો નિર્ણય લીધો હોય, તેવું સમજાઈ રહ્યું છે.
સરકારે કેન્દ્રીય નાણાંસચિવ સોમનાથનનાં અધ્યક્ષસ્થાને આ સમિતિ રચી છે. આ સમિતિ NPS હેઠળ આવરી લેવામાં આવેલાં કર્મચારીઓનાં પેન્શન લાભો સુધારવા (તેમાં ફેરફાર કરવા) સરકારને સૂચનો આપશે. આ સમિતિમાં સચિવ, કર્મચારી અને તાલીમ વિભાગ (DoPT) , વિશેષ સચિવ, ખર્ચ વિભાગ અને અધ્યક્ષ, પેન્શન ફંડ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી સભ્યો તરીકે રહેશે. નાણામંત્રી સીતારામને ગયા મહિને કહ્યું હતું કે, નાણાંસચિવની આગેવાની હેઠળની સમિતિ સરકારી કર્મચારીઓ માટે NPS હેઠળ પેન્શન સંબંધિત મુદ્દાઓ પર વિચાર કરશે.