તસ્કરોએ મોબાઈલની દુકાનને બનાવી નિશાન, મીનીટોમાં 9 લાખનો માલ ઉસેડી લીધો

સમગ્ર ઘટના CCTV માં કેદ થઇ ગઈ

તસ્કરોએ મોબાઈલની દુકાનને બનાવી નિશાન, મીનીટોમાં 9 લાખનો માલ ઉસેડી લીધો

Mysamachar.in-મહેસાણા

મહેસાણા જિલ્લાના કડી શહેરમાં તસ્કરો બેફામ બન્યાના દ્રશ્યો સામે આવ્યા છે, બેફામ તસ્કરોએ પોલીસના ડર વગર બુકાની બાંધીને રાત્રિ કર્ફ્યૂમાં એક મોબાઇલ દુકાનને નિશાન બનાવી હતી. તસ્કરોએ મોબાઇલ દુકાનનું શટર ઉંચું કરી અને દુકાનમાંથી 8 લાખ રૂપિયાના મોબાઇલ સહિત 9 લાખ રૂપિયાની મતા ચોરી છે. બનાવની વિગતો એવી છે કે કડીના ગાંધી ચોક વિસ્તારમાં ખોડિયાર ચેમ્બર્સમાં આવેલી રાજ મોબાઇલ શોપની મોબાઇલની દુકાનમાં ચોરીની ઘટના સામે આવી હતી. આ દુકાનમાં ચોરી થતા સવારે જ્યારે માલિક આવ્યા ત્યારે શટર તૂટેલું હતું અને દુકાનમાંથી મોબાઇલ ચોરાયા હતા. માલિકે આ ઘટના અંગે પોલીસને જાણકારી આપી હતી. જેના આધારે પોલીસે કાર્યવાહી હાથ ધરી સીસીટીવી ચકાસ્યા હતા.

દુકાનમાં પ્રવેશેલા તસ્કરોએમોઢે બુકાની બાંધી દુકાનનું શટર ઉંચું કરીને પ્રવેશ્યા હતા અને અંદર જઈને તેમણે 7.94 લાખની કિંમતના 81 મોબાઇલ, રૂપિયા 62 હજારની કિમંતની મોબાઇલની એસેસરીઝ અને રૂપિયા 21 હજારનું ટેબ્લેટ, રૂપિયા 22 હજારની ઘડિયાળ મળીને કુલ રૂપિયા 9 લાખની મત્તાની ચોરી કરી હતી. રાત્રિ કર્ફ્યૂના કારણે લોકોની આવનજાવન ન હોવાથી તસ્કરોને જાણે કે મોકળું મેદાન મળી ગયુ હોય તેવો ઘાટ સર્જાયો છે. સીસીટીવીની જાણ થતા પોલીસે વેપારી રાજેશ ભાઈ પટેલની ફરિયાદ નોંધી છે. પોલીસે સીસીટીવી કેમેરાના વિઝ્યુઅલના આધારે ચાર તસ્કરોને શોધવાની તજવીજ હાથ ધરી છે.