શ્રી સત્ય સાંઈ વિદ્યાલય માં વાર્ષિક સાંસ્કૃતિક કાર્યક્રમની અભૂતપૂર્વ ઉજવણી

૧૨૦૦ વિદ્યાર્થીઓ લીધો ભાગ, ૪૦૦૦ વાલીઓએ માણ્યો પ્રોગ્રામ

શ્રી સત્ય સાંઈ વિદ્યાલય માં વાર્ષિક સાંસ્કૃતિક કાર્યક્રમની અભૂતપૂર્વ ઉજવણી

Mysamachar.in-જામનગર:

શ્રી સત્ય સાંઈ વિદ્યાલય જામનગરમાં સરસ્વતી પ્રાગટ્ય દિન, વસંત પંચમીના પાવન પર્વ નિમિત્તે બુધવાર, ૨૯ જાન્યુઆરી ૨૦૨૦ ના રોજ વાર્ષિક સાંસ્કૃતિક કાર્યક્રમની ઉજવણી કરવામાં આવી હતી. આ ઉજવણીમાં શ્રી સત્ય સાઈબાબાના પ્રેરક સંદેશ LOVE ALL, SERVE ALL સર્વ ધર્મ સમભાવના આદર્શ સાથે શાળાના વિદ્યાર્થીઓ દ્વારા અનેક કાર્યક્રમો ખૂબ જ સુંદર રીતે પ્રસ્તુત કરવામાં આવ્યા હતા. શાળાના ઉપરોક્ત કાર્યક્રમમાં ધોરણ 1 થી 12 ના કુલ ૧૨૦૦ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો.

ભવ્ય આયોજન સાથે વાર્ષિક સાંસ્કૃતિક કાર્યક્રમ આશરે ચાર હજારથી વધુ વાલીઓએ મનભરીને માણ્યો હતો. SSSV એટલે કે શ્રી સત્ય સાંઈ વિદ્યાલયનો આ કાર્યક્રમ SSSV એટલે કે સાંસ્કૃતિક સૌંદર્ય અને વિશેષતા થીમ પર આધારિત હતો. કાર્યક્રમનો પ્રારંભ શાળાના વિદ્યાર્થીઓના હસ્તે દીપ પ્રાગટ્યથી કરવામાં આવ્યો હતો, ત્યારબાદ વસંત પંચમીના પાવન પર્વ સરસ્વતી પ્રાગટ્ય દિન નિમિત્ત ભાવ નૃત્ય દ્વારા સરસ્વતી વંદના કરવામાં આવી હતી. ભારતીય સંસ્કૃતિની પરંપરા મુજબ દરેક શુભ કાર્યની શરૂઆત ભગવાન ગણેશજીની આરાધનાથી થતી હોય શાળાના વિદ્યાર્થીઓએ ગણેશ વંદના રજૂ કરી હતી, ત્યારબાદ SSSV એટલે કે સંસ્કૃતિ સૌંદર્ય શોર્ય અને વિશેષતા પર આધારિત અલગ અલગ કૃતિઓ રજૂ કરવામાં આવી હતી. 

સ્વામી શ્રી સત્ય સાઈ બાબાના સર્વ ધર્મ સમભાવ ના આદર્શોને ઉજાગર કરતા દરેક ધર્મ સંસ્કૃતિનો સંદેશ આપતી કૃતિઓ રજૂ કરવામાં આવી હતી. કાર્યક્રમના અંતિમ ચરણમાં સમગ્ર કાર્યક્રમનો નીચોડ અને શ્રી સત્ય સાંઈ વિદ્યાલયની વિષેશતાઓ જેવી કે સ્વચ્છતા, રમત ગમત ક્ષેત્રે અને ખેલ મહાકુંભમાં વિજેતા થયેલા વિદ્યાર્થીઓ, સંગીત ક્ષેત્રે અને કલા મહાકુંભમાં વિજય થયેલા વિદ્યાર્થીઓ, શાળાની વિવિધ પ્રવૃતિઓ જેવી કે સંગીત, કલા અને હસ્તકલા, વિજ્ઞાન મેળો, પી.ટી. ડિસ્પ્લે વગેરે ઓડિયો વિઝ્યુઅલ દ્વારા દર્શાવવામાં આવેલ.

કાર્યક્રમની સૌથી પ્રેરક બાબત એ છે કે સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન વિદ્યાર્થીઓ દ્વારા જ કરવામાં આવ્યું હતું. કાર્યક્રમની તમામ વ્યવસ્થા જેવીકે મંચસજાવટ, ઓડિયો- વિડીયો વિઝ્યુઅલ,ચિત્રાકન-કોરોયોગ્રાફી જરૂરી અન્ય વ્યવસ્થાઓ શાળાના શિક્ષકો દ્વારા કરવામાં આવી હતી. શ્રી સત્ય સાંઈ વિદ્યાલયના વિશાળ રમત ગમત સંકુલમાં યોજાયેલ આ વાર્ષિક સાંસ્કૃતિક કાર્યક્રમની વાહન પાર્કિંગ પીવાના પાણીની વ્યવસ્થા બેઠક વ્યવસ્થા શાળાના શૈક્ષણિક અને બિનશૈક્ષણિક કર્મચારીઓ દ્વારા કરવામાં આવી હતી, શિસ્તબદ્ધ રીતે સમયપાલનમાં યોજાયેલો આ અદભુત કાર્યક્રમ ખૂબ જ સફળતાપૂર્વક પૂર્ણ થયેલ હતો.