Mysamachar.in-અમદાવાદ
તસ્કરોની ખાસ પ્રકારની મોડસઓપરેન્ડી હોય છે, હમણાં જ સુરતમાંથી એવા તસ્કરો ઝડપાયા હતા કે જે માત્ર તમાકુ અને સિગારેટની ચોરી કરતા હતા, ત્યારે અમદાવાદા પોલીસે બાટલા ચોરની ધરપકડ કરી છે, ઝડપાયેલ શખ્સ ગેસ સીલીન્ડર એટલે કે બાટલાઓની ચોરી કરતો હોવાનો સામે આવ્યું છે, અમદાવાદ શહેરના પૂર્વ વિસ્તારમાં 30થી વધુ જગ્યાએ ગેસના બાટલાઓની ચોરી કરનાર શખ્સ આખરે ઝડપાયો છે. તો આરોપીને ચોરીમાં મદદ કરનાર એક સગીર સામે પણ પોલીસે કાર્યવાહી હાથ ધરી છે. સાબિરને લોકો પૂર્વ વિસ્તારમાં બાટલો નામથી ઓળખતા હતો. કારણ કે તે અનેક વિસ્તારોમાં માત્ર ગેસના બાટલાની જ ચોરી કરતો.
એક સગીર સાથે મળીને તે ચોરી કરવા નીકળતો હતો. સગીર વાહન પર સાબિર ઉર્ફે બાટલાને લઈને જતો હતો અને આસપાસમાં ધ્યાન રાખતો હતો. આ દરમિયાન સાબિર ગણતરીની મિનિટોમાં ગેસનો બાટલો ચોરીને વાહન પર ફરાર થઈ જતો હતો. જે બાદમાં તે મૂળ કિંમતથી ઓછી કિંમતમાં આ ગેસના બાટલા વેચી દેતો હતો. શખ્સ પાસેથી પોલીસે ગેસના 15 બાટલા, એક એલસીડી ટીવી, એરકુલર, વેલ્ડિંગ મશીન અને ડ્રીલ મશીન સાથે ત્રણ મોબાઈલ ફોન મળી 1.24 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે. આરોપીએ વટવા, ઇસનપુર, નારોલ દાણીલીમડા જેવા વિસ્તારોમાંથી બે વર્ષ દરમિયાનમાં આ ચોરીઓને અંજામ આપ્યો છે. આ મુદ્દામાલ વેચીને તે પરિવારના શોખ પણ પૂરા કરાતો હતો.