રાજ્યમાં નકલી બિયારણ વેચાણનો મામલો, રાજ્યસભાના સાંસદ મોકરિયાએ કહ્યું કે... 

તેવાઓએ કૃષિમંત્રીને લખેલ પત્રમાં ઉલ્લેખ કર્યો છે કે...

રાજ્યમાં નકલી બિયારણ વેચાણનો મામલો, રાજ્યસભાના સાંસદ મોકરિયાએ કહ્યું કે... 
file image

Mysamachar.in-રાજકોટ:

છેલ્લા કેટલાક દિવસોથી રાજ્યમાં નકલી ચીજવસ્તુઓની બોલબાલા વધી ગઈ છે, અને જેને કારણે લોકોના આરોગ્ય પર ખતરો મંડરાઈ રહ્યો છે, પુરા પૈસા આપીને નકલીનો જે રીતે ખેલ ચાલી રહ્યો છે તે ખુબ ગંભીર છે, એવામાં ખુદ ભાજપના જ રાજ્યસભાના સાંસદ રામ મોકરિયા નકલી બિયારણના રાજ્યમાં વેચાણને લઈને મેદાને આવ્યા છે અને કૃષિમંત્રીને આ અંગે પત્ર લખી નકલી બિયારણ વેચાણ કરતા વેપારીઓ પર તવાઈ બોલાવવાની માંગ કરી છે,

નકલી બિરાયણની ખેડૂતોની રાજ્યવ્યાપી ફરિયાદો બાદ ભાજપના સાંસદ મેદાનમાં આવ્યા છે. આ પત્રમાં સરકારને નકલી બિયારણના ધંધાર્થીઓ ખેડૂતોને લૂંટી રહ્યાંની ફરિયાદ કરવામાં આવી છે. રામ મોકરિયાએ નકલી બિયારણ માફિયાઓ સામે કડક કાર્યવાહીની માંગણી પણ કરી છે, આ મુદ્દે આજે રાજ્યસભાના સાંસદ રામ મોકરિયાએ જણાવ્યું કે, કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર ખેડૂતો માટે અનેક યોજના લઈ આવે છે. સરકાર ખેડૂતોના હિતમાં કામ કરે છે. નકલી બિયારણથી પાક નિષ્ફળ થાય છે. આ માટે કાયદામાં સુધારો લાવવો જરૂરી છે, જેથી નકલી બિયારણ ન વેચાઈ શકે. મારી પાસે જે ખેડૂતોની રજુઆત આવી છે અને હું પણ ખેડૂત પુત્ર છું.

કૃષિમંત્રી રાઘવજી પટેલ સાથે મારે વાત થયા પછી જ મેં પત્ર લખ્યો હતો. કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા ખેડૂતો માટે અનેક યોજનાઓ લાવી છે. અમુક વેપારીઓ નકલી સર્ટીફાઇડ બિયારણ વેંચતા હોવાથી ખેડૂતોને નુકસાન જાય છે. નકલી બિયારણ વેંચતા વેપારીઓ સામે કડક કાર્યવાહી કરવા સૂચન કર્યું છે. કડક કાયદો બનાવી આવા વેપારીઓના લાઇસન્સ પણ રદ્દ કરવા જોઈએ. જે વેપારી પકડાય તેની પાસેથી ખેડૂતોના નુકસાનની પણ ભરપાઈ કરાવવું જોઈએ. ઉત્તર ગુજરાતમાં નકલી બિયારણ વેંચાતું હોવાનું થોડું ધ્યાનમાં આવ્યું છે. સરકારની આંખ અને કાન બનીને મને જાણ થાય એટલે હું સરકારમાં રજૂઆત કરૂં છું. મારી રજૂઆત અંગે સરકાર પણ પગલાં લે છે તેથી મને સંતોષ હોવાનું પણ અંતે તેવાઓએ જણાવ્યું છે.