રસ્તા પર જઈ રહેલ એસટી આડે ઉતરી કાર...બસ રોડ નીચે ઉતરી ગઈ, કારની પલટી

બે લોકોના મોત, આજે અહી બની છે આ ઘટના

રસ્તા પર જઈ રહેલ એસટી આડે ઉતરી કાર...બસ રોડ નીચે ઉતરી ગઈ, કારની પલટી

Mysamachar.in:નડિયાદ

રાજ્યમાં આજે વધુ એક ગોઝારા અકસ્માતની ઘટના સામે આવી છે જેમાં નડિયાદ નજીકના અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઇવે પર જ્યાં કાર અને ST બસ વચ્ચે ધડાકાભેર અકસ્માત સર્જાતાં બે લોકોના ઘટના સ્થળે જ મોત થયા છે. જ્યારે 10થી વધુ લોકો ઇજાગ્રસ્ત થતાં તેમને સારવાર અર્થે નજીકની હોસ્પીટલમાં ખસેડવામાં આવ્યા છે. આ અકસ્માત એટલો ભયંકર હતો કે કારનો ડૂચો બોલી ગયો હતો, જ્યારે એસ.ટી. બસ ડિવાઇડર તોડીને હાઇવેની નીચે ઉતરી જતા મુસાફરોના જીવ તાળવે ચોંટી ગયા હતા.

કાર નંબર (GJ-01-HV-4270) અને ST બસ વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં બંન્ને વાહનોને ભારે નુકશાન પહોંચ્યું હતું. કારમાં સવાર બે લોકોના ઘટના સ્થળે મોત થયા હતા. જ્યારે એસટી ખાડામાં પડતા ઈમરજન્સી દરવાજા મારફતે મુસાફરોને બહાર કાઢવામાં આવ્યા હોવાનું સામે આવી રહ્યું છે. જાણવા મળતી વધુ વિગતો મુજબ એસટી બસ તેની નિયત સાઈડ પર જઈ રહી હતી દરમિયાન ડીવાઈડર જંપ કરીને આવેલી કાર બસના આગળના ભાગે ધડાકાભેર અથડાઈ હતી. જેથી બસ અનકન્ટ્રોલ થઈ જતાં બસ સીધી ખાલી સાઈડની રેલીંગ તોડી ખાડામાં ઉતરી ગઈ હતી અને આ ઘટના બની હતી.