Mysamachar.in-નડિયાદ
રાજ્યમાં હાઈવે પર થતા અકસ્માતોમાં વધુ એક અકસ્માતની ઘટના સામે આવી છે, નડિયાદ પાસેથી પસાર થતાં અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઈવે પર ગત સાંજના સુમારે એક ગમખ્વાર અકસ્માત સર્જાયો જેમાં એસ.ટી. બસ પાછળ કાર ઘૂસી જતાં બનાવસ્થળ પર એક વ્યક્તિનું મોત જ્યારે અન્ય એકનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. તો આ અકસ્માતમાં અન્ય 4 લોકો ઘવાયા છે. ખેડા જિલ્લાના નડિયાદ નજીકથી પસાર થતાં અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઇવે પર ગત સાંજે અકસ્માત સર્જાયો હતો.
અમદાવાદથી વડોદરા તરફ જતી એસ.ટી બસ પાછળ કાર ઘૂસી જતાં અકસ્માત થયો હતો. આ અકસ્માતમાં કારનો આગળના ભાગનો કડુંસલો બોલી જવા પામ્યો હતો તો કારચાલક યુવકનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું. જ્યારે આ કારમાં સવાર અન્ય પાંચ વ્યક્તિઓને તુરંત સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જે પૈકી એક વ્યક્તિનું ટૂંકી સારવાર બાદ મોત નીપજ્યું હતું.બનાવની જાણ ચકલાસી પોલીસને થતાં પોલીસ તેમજ 108 એમ્બ્યુલન્સનો કાફલો પણ ઘટના સ્થળે દોડી જઈ અને જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી.