કોરોના દર્દીઓની સેવા કરી પરત ફરતા 3 યુવાનની કારનો અકસ્માત, ત્રણેયના મોત

કોરોના દર્દીઓની સેવા કરી પરત ફરતા 3 યુવાનની કારનો અકસ્માત, ત્રણેયના મોત

Mysamachar.in-વડોદરા

રાજ્યમાં વધુ એક ગમખ્વાર અકસ્માતની ઘટના સામે આવી છે, જેમાં 3 લોકોના મોત નીપજ્યા છે, વડોદરા નજીક પસાર થતા નેશનલ હાઇવે ઉપર કપુરાઇ ચોકડી પાસે વહેલી સવારે કાર અને ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ ગોઝારી ઘટનામાં ત્રણ યુવાનનાં સ્થળ પર મોત નીપજ્યાં હતા. કારચાલકને ઝોકું આવી જતાં ડ્રાઇવિંગ પરથી કાબૂ ગુમાવી દેતાં કાર ડિવાઇડર કૂદીને રોંગ સાઇડમાં પહોંચી ગઇ હતી અને પસાર થતી ટ્રક સાથે ભટકાઇ હતી. અકસ્માતમાં મોતને ભેટેલા ત્રણ યુવાનો સૌરાષ્ટ્રથી કોરોના દર્દીઓની સેવા કરી સુરત પરત આવી રહ્યાનું જાણવા મળી રહ્યું છે.

આજે વહેલી સવારે સુરત ઓલપાડ રોડ ઉપર આવેલા પરા અશોકભાઇ ગોકુલભાઇ ગોદાણી, સંજયભાઇ હસમુખભાઇ ગોદાણી અને ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના ભાંભણિયા ગામ રહેતા રાજુભાઇ ગોંડલિયા કારમાં સૌરાષ્ટ્રથી કોરોના દર્દીઓની સેવા કરી સુરત પર આવવા નીકળ્યા હતા. દરમિયાન વડોદરા નેશનલ હાઇવે ઉપર કપુરાઇ ચોકડી પાસે કાર ચાલકને ઝોકું આવી જતાં પોતાના સ્ટિયરિંગ ઉપરથી કાબૂ ગુમાવી દીધો હતો.

ચાલકે ડ્રાઇવિંગ પરથી કાબૂ ગુમાવતાં જ કાર રોડ વચ્ચેનું ડિવાઇડર કૂદી રોંગ સાઇડ પર લીલુડી ધરતી હોટલ પાસેના રોડ ઉપર આવી ગઇ હતી અને એ જ સમયે પૂરપાટ જઇ રહેલી ટ્રક સાથે ધડાકાભેર ભટકાઇ હતી. કાર ટ્રક સાથે ભટકાતાં જ કારનો કચ્ચરઘાણ વળી ગયો હતો અને સવાર ત્રણે યુવાનોનાં કમકમાટીભર્યાં મોત નીપજ્યાં હતાં. આ બનાવની જાણ પાણીગેટ પોલીસને થતાં તરત જ પોલીસકાફલો સ્થળ પર દોડી ગયો હતો. આ ગોઝારા અકસ્માતમાં કચ્ચરઘાણ વળી ગયેલી કારમાં સવાર ત્રણ યુવાનોના મૃતદેહો ફસાઇ જતાં પોલીસે ફાયરબ્રિગેડની મદદ લઇ એને બહાર કઢાવ્યા હતા અને 108 એમ્બ્યુલન્સ બોલાવી પોસ્ટમોર્ટમ માટે સયાજી હોસ્પિટલમાં મોકલી આપ્યા હતા.