બસ સ્ટોપ પર જ બસ અચાનક ભડભડ સળગી ઉઠી 

Mysamachar.in-સુરત:

સુરતના સરથાણા વિસ્તારમાં તક્ષશિલા આર્કેડ અને પ્રાણી સંગ્રહાલય પાસે આવેલા બીઆરટીએસ બસ સ્ટોપ ખાતે બસમાં આગની ઘટના બની હતી. જેથી અફરાતફરી મચી ગઈ હતી. બસ સ્ટોપ પર એકાએક બસમાં આગ લાગતાં શાળા અને કોલેજ જતા વિદ્યાર્થીઓ પણ દોડતા થયા હતા. સવારે શાળા-કોલેજમાં જતા વિદ્યાર્થીઓ ખૂબ મોટી સંખ્યામાં બીઆરટીએસ બસનો ઉપયોગ કરતા હોય છે. આજે સવારે પણ શાળા અને કોલેજ જવાના સમય દરમિયાન જ બીઆરટીએસ બસમાં બસસ્ટોપ પર જ આગની ઘટના બનતાં ડરનો માહોલ જોવા મળ્યો હતો. કેટલાક વિદ્યાર્થીઓ બસમાં બેઠા હતા, પરંતુ ધુમાડો નીકળતાંની સાથે જ સમયસૂચકતા દાખવીને તેઓ નીચે ઊતરી ગયા હતા. આગે સમગ્ર બસને લપેટમાં લઈ લીધી હતી. આગ લાગવાનું કારણ હજુ સુધી જાણવા મળ્યું નથી. ઘટનામાં કોઈ પણ ઈજા કે જાનહાનિ થઈ નથી.