બોટલ અસલી પણ દારુ નકલી...

આ રીતે ચાલતું હતું રેકેટ

બોટલ અસલી પણ દારુ નકલી...

Mysamachar.in-વડોદરા

પીવાના શોખીનો પીવા માટે ખુબ મોંઘી બોટલો ખરીદતા હોય છે, પણ આવા પ્યાસીઓએ ચેતવા જેવો કિસ્સો વધુ એક વખત સામે આવ્યો છે, જેમાં ખાલી પડેલ મોંઘી બોટલો હલકીકક્ષાનો દારુ ભરવામાં આવતો હોવાનું રેકેટ પોલીસે ઝડપી પાડ્યું છે,પ્લાસ્ટીકની બોટલમાં આવતો હલકી કક્ષાનો વિદેશી દારૂનો જથ્થો ઘરે મંગાવ્યા બાદ તે દારૂની બોટલો  રૂા.1 થી રૂા.5 હજારની બ્રાંન્ડેડ વિદેશી દારૂની બોટલોમાં ભરી તગડો નફો કમાતા એકની પોલીસે ધરપકડ કરી છે.

વડોદરાના પંડ્યા હોટલ પાસે આવેલી નાણાવટીની ચાલીમાં રહેતા બે ભાઈઓ રાકેશ રામબચ્ચન મલ્લા અને તેનો ભાઈ કમલેશ મલ્લા પોતાના મકાનમાં છેલ્લા 1 વર્ષથી દારૂનું વેચાણ કરે છે. આરોપીઓ રૂા.200 થી રૂા.400ની પ્લાસ્ટીકની બોટલમાં આવતું હલકી કક્ષાનો વિદેશી દારૂનો જથ્થો મંગાવતા હતાં. અને આ દારૂ રૂા.1 હજાર થી રૂા.5 હજાર સુધીની વિદેશી દારૂની બોટલોમાં ભરી તેને મોંધાભાવે વેચતા હતા.

આ બાતમીના આધારે સયાજીગંજ પોલીસે નાણાવટીની ચાલીમાં દરોડો પાડતા કમલેશ મલ્લા ઝડપાઈ ગયો હતો. તેના મકાનની એક રૂમમાંથી રૂા.2400ની પ્લાસ્ટીકની વિદેશી દારૂની 6 બોટલો મળી આવી હતી. જ્યારે બ્રાંન્ડેડ કાચની દારૂની 54 બોટલો,પ્લાસ્ટીકની કુલ 61 બોટલો મળી કુલ 115 ખાલી બોટલો કબજે કરી હતી. પોલીસે બોટલોને સીલ કરવાના 250 બુચ પણ કબજે કર્યાં હતાં. સયાજીગંજ પોલીસે જણાવ્યું કે, આ પ્લાસ્ટીકનો દારૂ આરોપીઓ ક્યાંથી મંગાવતા હતા તેની તપાસ પોલીસ કરી રહી છે.