અનોખી સર્જરી, 4 વર્ષની કેન્સર પીડિત બાળકીના જડબાની જટિલ સારવાર આ રીતે થઇ

પગનું હાડકું કાપી જડબુ બનાવીને પ્લાસ્ટિક સર્જરી કરી

અનોખી સર્જરી, 4 વર્ષની કેન્સર પીડિત બાળકીના જડબાની જટિલ સારવાર આ રીતે થઇ

Mysamachar.in-અમદાવાદ:

નાના બાળકોમાં ક્યારેક એવી ખામીઓ જોવા મળે છે જેની લોકો તો શું તબીબોએ પણ કલ્પના કરી નથી હોતી. પરંતુ, મેડિકલ જગતના અસાધારણ કહી શકાય એવા કેસ નિષ્ણાંત તબીબોએ મહામહેનતે ઉકેલી લોકોને નવજીવન આપ્યું છે. આવા સમયે તબીબોમાં દેવદુતની ઝાંખી થાય છે. ખાસ કરીને જ્યારે બાળકોમાં મોટું જોખમ હોય અને કેસ ફેઈલ થવાનો હોય ત્યારે અનુભવ અને જ્ઞાનના આધારે તબીબો એવું જોખમ ટાળી દે છે. આવો જ એક કિસ્સો અમદાવાદ શહેરમાંથી સામે આવ્યો છે. જે રેર કહી શકાય તેવો પણ છે. 4 ચાર વર્ષની કેન્સરપીડિત બાળકીના જડબાની માઈક્રોવેસ્ક્યુલર સર્જરી કરીને ફરીથી સ્થાપિત કરવામાં આવ્યું છે. મેડિકલ જગતમાં દેશનો આ પહેલો કિસ્સો હોવાનું માનવામાં આવી રહ્યું છે. અમદાવાદ જી.સી.આર.આઈના તબીબોએ જણાવ્યું કે, 4 વર્ષની કેન્સરગ્રસ્ત દીકરીનું જડબુ પગના હાડકામાંથી તૈયાર કરીને પ્લાસ્ટિક સર્જરી કરી બનાવી દીધું છે. આમ દીકરીને નવજીવન મળ્યું છે. દેશ અને દુનિયામાં દુર્લભ ગણી શકાય એવો આ કેસ છે.

મૂળ જૂનાગઢની ભવનાથ તળેટી વિસ્તારમાં રહેતી ઝેનાબના જડબાના ભાગમાં સાર્કોમાં ગાંઠ જોવા મળી હતી. આ એક પ્રકારની દુર્લભ કહી શકાય એવી ગાંઠ છે. આ કેસ સામે આવતા પરિવારજનો ચિંતામાં સરી પડ્યા. પહેલા ત્યાંના અનેક તબીબોને દેખાડતા તેઓ પણ આ પ્રકારની ગાંઠ જોઈને ચોંકી ઊઠ્યા હતા. તબીબોએ અમદાવાદ લઈ જવાનું કહ્યું. પછી આ કેસ જી.સી.આર.આઈમાં આવ્યો હતો. આ કેસ અંગે ડૉ. હેમંત સરૈયા કહે છે કે, કેન્સરગ્રસ્ત દીકરીના કિસ્સામાં જો જડબાનો ભાગ કાઢવામાં ન આવ્યો હોત તો મોઢાના બીજા ભાગમાં પણ કેન્સર પ્રસરવાની શક્યતા હતી. જેની બાળકીના જીવ સામે પણ જોખમ ઊભું થતું. માત્ર જડબું કાઢવાથી કામ પતે એમ ન હતું. એને ફરીથી સ્થાપિત કરવું પણ પડકાર હતો. જડબું કાઢીને પાછું બનાવવામાં ન આવે તો બાળકીનો ચહેરો બેડોળ થવાની પૂરી શક્યતા હતી. આ ઉપરાંત જો દાંત સામે ન બેસે તો પણ જોખમ. જેની અસર ખોરાક કે પ્રવાહી પર પડી શકે. જેની માઠી અસર બાળકના વિકાસ પર પડી શકે એમ હતી.

આ જોખમ ખેડીને અનુભવના આધારે જડબુ તૈયાર થયું. આ કામ પણ સરળ ન હતું. બાળકીનું જડબું અનેક ગણી મુશકેલીઓ હતી. કારણ કે, પગનું હાડકુ ઘણું નાનું અને પાતળું હોય છે. પછી આરીથી કાપીને જડબાના રૂપમાં ફેરવવામાં આવ્યું. આ માટે 1 મિમીની પણ ખામી ઊભી થાય તો બંને જડબા બરાબર બેસી શકે નહીં. આરીથી કાપતી વખતે પણ નીચેના ભાગમાં નસ કપાઈ જાય તો લોહીલુહાણ થાય. હાડકું નકામું સાબિત થાય. આ માટે અતિ મોંઘી સારવાર લઈ ટાઇટેનીયમની ત્રણ-ચાર પ્લેટો અને 12 થી 16 જેટલા સ્ક્રુ નાંખી તેને જોડવાની જરૂરિયાત ઉભી થઈ. 9 કલાકની સર્જરી બાદ તબીબોની ટીમને આ પ્રકારની સફળતા મળી હતી.

સૌથી જોખમી અને બીક લાગે એવું તો વાળ જેટલી પાતળી ત્રણ લોહીની નળીને ગળા તથા મગજ સુધી સતત જોડાયેલી રાખવાનું રહ્યું. લોહીનું પરિભ્રમણ પૂર્વવત કરવાનો હતો. એક પણ નળી બ્લોક થાય તો હાડકું સળી જવાના પૂરા ચાન્સ રહ્યા હતા. આ તમામ પરિસ્થિતિ સાથે જી.સી.આર.આઇ.ના પ્લાસ્ટીક સર્જન ડૉ. હેમંત સરૈયા, ડૉ.પ્રીતમ અને કેન્સર સર્જન ડૉ.ઉમાંક ત્રિપાઠી અને ટીમે આ પડકારજનક ઓપરેશનને સફળતાપૂર્વક પાર પાડવાનું બીડુ ઉપાડ્યું.

ગળામાં કાણું પાડીને બાળકીનો શ્વાસ ચાલું રહે એ માટે હંગામી ધોરણે વ્યવસ્થા ઊભી કરી. પછી કેન્સરગ્રસ્ત જડબુ કાઢ્યું. જે બાદ પગનું હાડકું અને નસનો અભ્યાસ કરી ચામડી સાથે લેવામાં આવી. કાપેલા હાડકાનો માપ લેવામાં આવ્યો પછી નવું જડબુ તૈયાર થયું.પછી મજબૂતાઇ માટે ટાઇટેનીયમની પ્લેટ્સ અને સ્ક્રુ સાથે બેસાડવામાં આવ્યા. પછી લોહીની ત્રણ વાળ જેવી નળી ગળાની અને મગજનાં એક ભાગમાંથી રક્તવહન કરતી એને માઇક્રોસ્કોપની મદદથી ગળાના ભાગને 8થી 10 ગણું મોટું કરી જોડવામાં આવી. હવે તેને ફીઝીયોથેરાપી નિષ્ણાતો દ્વારા કસરતની શરૂઆત કરવામાં આવશે. ત્યાર બાદ જડબામાં નવા દાંત નાંખવામાં આવશે. આ સંપૂર્ણ સર્જરી પૂરી થયા બાદ દીકરી પીડામુક્ત થઈ જશે.