બુટલેગરો બેફામ, દારૂ ભરેલ કાર અટકાવતા પોલીસ પર ચઢાવી દીધી કાર

એક ઝડપાયો એક ફરાર

બુટલેગરો બેફામ, દારૂ ભરેલ કાર અટકાવતા પોલીસ પર ચઢાવી દીધી કાર

Mysamachar.in-સુરત

રાજ્યમાં બુટલેગરો બેફામ બની રહ્યા છે, અને આ બાબતને સાબિતી આપતો એક કિસ્સો સામે આવ્યો છે, જેમાં સુરતની પલસાણા પોલીસે દારૂ ભરેલી કારને અટકાવવા જતા ચાલકે ફુલસ્પીડમાં ભગાડી મુકી હતી. આથી પલસાણા પોલીસે સચિન પોલીસને જાણ કરી હતી. સચિનના પોલીસ કોન્સ્ટેબલ શનિવારે મોડીસાંજે પેટ્રોલિંગમાં સચિન હોજીવાલા ઇન્ડસ્ટ્રીયલ પાસે ઊભા હતા. દરમિયાન દારૂ ભરેલી કારને પોલીસ કોન્સ્ટેબલ રામ ખોડીયાતરા અને અન્ય પોલીસકર્મી મયુરદાન ગઢવીએ રોકવાની કોશિશ કરતા બુટલેગરે કારને પોલીસકર્મી પર ચઢાવી દીધી હતી.

જેના કારણે મયુરદાન ગઢવીને ગંભીર ઈજાઓ જયારે ડી સ્ટાફના રામ ખોડીયાતરાને હાથ-પગમાં સામાન્ય ઈજાઓ થઈ છે. કારમાં બુટલેગર સલીમ અનવર ફ્રુટવાલા અને ઝુબેર હતો. સલીમ ફ્રુટવાલાને તો પોલીસે પકડી લીધો જયારે ઝુબેર ફરાર છે. કારમાંથી 2.19 લાખોની કિંમતનો વિદેશી દારૂ પણ મળી આવ્યો હતો. આ દારૂ નવસારીના સંજયએ આપ્યો છે. આ બનાવ અંગે સચીન પોલીસે હત્યાની કોશિશ અને પ્રોહિબિશનની કલમો હેઠળ ગુનો નોંધ્યો છે.