Mysamachar.in-તાપી:
કહેવાથી ભલે ને ગુજરાતમાં દારૂબંધી છે પરંતુ ગુજરાતમાં ખૂલ્લેઆમ દારુ વેચાય છે. અને જેટલો ઝડપાઈ જાય તેના કરતા વધુ તો પીવાઈ જાય છે, એવામાં હવે રાજ્યમાં બુટલેગરો પોતાનો દારૂનો ધંધો ચલાવવા બેફામ બની રહ્યા છે, ક્યારેક હુમલા તો ક્યારેક ધમકી પોલીસકર્મીઓને આપીને પોતાનો બચાવ કરવાનો પ્રયાસ કરતા હોય છે,આવી જ બે ઘટનાઓ દક્ષિણ ગુજરાતમાં સામે આવી છે, જેમાં સોનગઢમાં બૂટલેગરો દ્વારા પોલીસની કાર સળગાવી એક જમાદારને કેરોસીન છાંટીને હત્યા કરવાનો પ્રયાસ પણ કર્યો હતો, તો બીજી ઘટનામાં બારડોલી નજીક બૂટલેગરે બાઈકને અડફેટે લીધી હતી,
તાપી જિલ્લાના સોનગઢ તાલુકમાં આવેલા મૈયાલી ગામમાં બૂટલેગરો બેફામ બન્યા હોવાની ઘટના શનિવારે મોડી સાંજે બની હતી., ખાનગી કારમાં તાપી ડીવાયએસપી કચેરીના અધિકારીઓ બૂટલેગરના ત્યાં મળેલ માહિતીને આધારે રેડ પાડવા માટે ગયા હતા. જોકે, પોલીસને જોઇને ઉશ્કેરાયેલા બૂટલેગરોએ પોલીસ અધિકારી કર્મચારીઓ પર હુમલો કરી દીધો હતો, ઉપરાંત ડીવાયએસપી કચેરીમાં ફરજ બજાવતા જમાદારને કેરોસીન છાંટીને હત્યા નીપજાવવાનો પ્રયત્ન કર્યો હતો. આટલે થી ના અટકતા પોલીસ અધિકારીઓ જે કારમાં આવ્યા હતા એ ખાનગીકારને પણ બૂટલેગરોએ સળગાવી દેતા મામલો ભારે તંગ બની જતા પોલીસવિભાગના ઉચ્ચ અધિકારીઓને ઘટના સ્થળ પર દોડી આવવાની ફરજ પડી હતી,
ઘટનામાં ગંભીર રીતે ઘાયલ જમાદાર પ્રભાતસિંહ બારૈયાને સારવાર માટે સુરત ખસેડવામાં આવ્યા હતા. તો પોલીસને સળગાવી મારી નાખવાનો પ્રયાસ કરનાર બૂટલેગર પણ દાઝી જતા તેને પણ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે, તો રાજ્યમાં અન્ય એક ઘટનામાં દક્ષિણ ગુજરાતમાં બારડોલી નગરના રામજી મંદિર નજીક બૂટલેગરોએ બાઈકને અડફેટે લીધી હતી. બૂટલેગરની કાર અને બાઈક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેના પગલે બાઈક ચાલક ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો હતો. જેને સારવાર માટે સરદાર હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. અકસ્માત બાદ કારની તપાસ કરતા કારમાથી વિદેશી બનાવટનો દારૂ મળી આવ્યો હતો. આમ રાજ્યમાં બેફામ બનેલા બુટલેગરો હવે પોલીસ પર પણ હાવી બની રહ્યા હોય તેમ લાગે છે