Mysamachar.in-જામનગર
આ વખતે ધોરણ 10 ના બોર્ડના પરિણામોએ ખાનગી સ્કુલો અને સરકારી સ્કુલોની પોલ ખોલી નાંખી છે, ખાસ કરીને ધોરણ 10મા તો વિદ્યાર્થીઓને બોર્ડની ગંભીર પરીક્ષાઓ માટે સજ્જ કરવાના હોય જેથી ધોરણ 12 મા વધુ સારો દેખાવ વિદ્યાર્થીઓ કરી શકે પરંતુ જો શાળાઓની કચાશ રહે તો તેની સામે વાલીઓ ફી ભરે ચિંતા કરે બાળકો માટે હેરાન થાય છતા અંતે નિરાશ થાય અને વિદ્યાર્થીઓ પણ ઢીલા પડી જાય તે સ્વાભાવિક છે,જામનગર શહેર તથા જિલ્લામાં શિક્ષણનું સ્તર કથળતા વિદ્યાર્થીઓના વાલીઓએ વર્ષ દરમિયાન કરેલ ખર્ચો એળે જતાં દુ:ખની લાગણી જોવા મળી રહી છે, અને બાળકોના ભવિષ્ય પાછળ કરેલ ખર્ચ છતાં કહેવાતી સેલ્ફ ફાઇનાન્સ સ્કૂલો, ગ્રાન્ટેન્ડ સ્કૂલો, સરકારી શાળામાં તગડો પગાર લેતા શિક્ષકો કેવો અભ્યાસ કરાવે છે બાળકોને તેના પર અનેક સવાલો ઉભા થવા પામ્યા છે. જામનગર જિલ્લામાં આ વર્ષ ધો.10નુ કંગાળ પરિણામ આવેલ છે જે છેલ્લા બે વર્ષના પ્રમાણમાં ચૌદ થી અઢાર ટકા જેટલુ ઓછુ છે.
ત્યારે દર વર્ષ પરિણામમાં વિદ્યાર્થીઓની પાસ થવાની ટકાવારીમાં જબરો ઘટાડો જોવા મળતા વર્ષ દહાડે બેફામ ફી લેતા શાળા સંચાલકો લુંટફાટ કરીને વાલીઓને મુર્ખ બનાવતા હોવાનું પરિણામ ઉપરથી સાબીત થાય છે તેમ વાલીઓમાં ગણગણાટ સાંભળવા મળે છે, આ વર્ષે જામનગર જિલ્લામાં 100 ટકા પરિણામ સાથે 4 શાળાઓનો સમાવેશ થવા પામ્યો છે. અને ગત વર્ષ 100 ટકા પરિણામવાળી 9 શાળાઓ હતી અને આવી જ રીતે જીરો ટકા પરિણામવાળી આ વર્ષે 10 શાળાની સામે ગત વર્ષ માત્ર 1 શાળા જ હતી જ્યારે આ વર્ષ 30 ટકા પરિણામવાળી 74 શાળા છે. જેની સામે ગત વર્ષ 25 શાળાઓનું 30 ટકા ઓછા પરિણામવાળી શાળાનો સમાવેશ થવા પામી હતી. ઉપરાંત આ વર્ષે ધો.10ના સરેરાશ પરિણામ પર કેન્દ્ર પ્રમાણે નજર કરવામાં આવે તો ભલે ધ્રોલ કેન્દ્રનું આ વર્ષ ઉચ્ચા પરિણામ 70.82 ટકા જેવું આવેલ હોય, પરંતુ ગત વર્ષ કરતા 9.90 ટકા જેવો ઘટાડો જોવા મળ્યો છે.
અને ગત વર્ષનું 80.62 ટકા જેવા પરિણામ હતું અને જામનગર શહેરમાં 50.72 ટકા જેવું આ વખતે પરિણામ આવેલ છે જેની સામે ગત વર્ષે 68.98 ટકા પરીણામ હતું ત્યારે એકાએક 14.84 ટકા જેવો ઘટાડો આવતા જામનગરના શિક્ષણના હાટડા ખોલીને નંબર વનનો દાવો કરતા શાળા સંચાલકોની પોલ ખુલી છે જામનગર શહેર ઉપરાંત કાલાવડ, જોડિયા, લાલપુર, જાંબુડા અને સિક્કામાં આ વર્ષે ગત વર્ષના પરિણામોની ટકાવાળીમાં સરેરાશ 10થી 15 ટકાનો ઘટાડો જોવા મળ્યો છે. આમ જામનગર શહેરમાં નિષ્ણાત શિક્ષણવિદો હોવા છતાં વર્ષો વર્ષ કંગાળ પરિણામ આવવાની પરંપરામાં ચિંતાજનક વધારો જોવા મળતા નંબર વનનો દાવો કરતા શાળા સંચાલક મંડળોની બોર્ડના પરિણામે પોલ ખોલી નાખી છે.