Mysamachar.in-જામનગર
ગુજરાત માધ્યમીક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા ધો.10 અને ધો.12ની બોર્ડની પરીક્ષા માટે તૈયારીઓ પુર્ણ કરી લીધી છે જામનગર જિલ્લામાં આ વર્ષે બોર્ડની પરીક્ષામાં 30 હજાર ઉપર વિદ્યાર્થીઓ નોંધાયા છે અને તમામ પરીક્ષા કેન્દ્રોને સી.સી. કેમેરા હેઠળ પરીક્ષા યોજવા માટે આયોજન કરાયુ છે. જિલ્લા શિક્ષણાધિકારી કચેરી દ્વારા આગામી તા.5થી તા.21 માર્ચ દરમિયાન યોજનાર બોર્ડની પરીક્ષાની તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે, જામનગર જિલ્લામાં આ વર્ષે ધો.10ના 17976 વિદ્યાર્થીઓ અને ધો.12 સામાન્ય પ્રવાહના 10215 હજાર, વિજ્ઞાન પ્રવાહના 2325 હજાર વિદ્યાર્થીઓ મળીને કુલ 30516ની સંખ્યામાં પરીક્ષાર્થીઓ નોંધાયા છે અને ધો.10ને આ વખતે બે ઝોનમાં વિભાજન કરવામાં આવ્યા છે,
વધુમાં આ વખતે તમામ પરીક્ષા કેન્દ્રો પર સી.સી. ટી.વી. કેમેરા લગાડીને ગેરરિતી અટકાવવા પગલુ ભરવામાં આવ્યુ છે. ત્યારે જામનગર જિલ્લામાં ધો.10ના 17976 વિદ્યાર્થીઓની 9 કેન્દ્રો અને 60 પરીક્ષા કેન્દ્ર તેમજ 642 બ્લોકમાં પરીક્ષા લેવામાં આવશે, જ્યારે ધો.12 સામાન્ય પ્રવાહની પરીક્ષા 10215 વિદ્યાર્થીઓ આપવાના હોવાથી 6 કેન્દ્રો પર 31 પરીક્ષા સ્થળ, 324 બ્લોક ફાળવવામાં આવ્યા છે,
ધો.12 વિજ્ઞાન પ્રવાહમાં વિદ્યાર્થીઓની આ વર્ષે સંખ્યામાં ઘટાડો નોંધાયો હોવાથી 2325 વિદ્યાર્થીઓ માટે 2 કેન્દ્રો, 11 પરીક્ષા સ્થળ, 115 બ્લોક નક્કી કરવામાં આવ્યા છે, જ્યારે ધો.10ની પરીક્ષા માટે આ વર્ષે બે ઝોન પાડવામાં આવ્યા હોવાથી 6 પરીક્ષા કેન્દ્રો પર 8848 હજાર વિદ્યાર્થીઓ અને 3 પરીક્ષા કેન્દ્રોમાં 9128 હજાર વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે.
આમ જામનગર જિલ્લામાં આ વખતે એક પણ સંવેદનશીલ કેન્દ્રો ન હોવાનું સાથે આવ્યુ છે ત્યારે પરીક્ષા સી.સી. ટી.વી. કેમેરાની બાજ નજર હેઠળ કડક વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.
આવશ્યક સુવિધાઓ સાથે યોજાશે પરીક્ષા….
વિદ્યાર્થીઓની કારકિર્દીની અતિઆવશ્યક આ પરીક્ષાઓ માટે જિલ્લા પરીક્ષા સમિતિની બેઠકમાં બેઠક વ્યવસ્થાથી લઈ સીસીટીવી, વિદ્યાર્થીઓની આવશ્યકતા માટે પાણી, વીજળી દરેકની સુવિધાઓ ની ચકાસણી કરાઇ હતી સાથે જ દિવ્યાંગ વિદ્યાર્થીઓ માટે, લહીયો અને ગ્રાઉન્ડ ફ્લોર પર બેઠક વ્યવસ્થા વિશેની ચર્ચા પણ કરાઇ હતી, સાથે જ દરેક કેન્દ્ર પર સુરક્ષા વ્યવસ્થા અને વિદ્યાર્થીઓને કોઇ ખલેલ ના પહોંચે તેમજ ગેરરીતિના કોઈપણ કિસ્સાઓ ના બને તે માટેની વ્યવસ્થા કલેક્ટરે તપાસી હતી.