ધન્ય છે આ ખેડૂતને જેને લીંબુ ભરેલ બગીચો કોરોનાગ્રસ્ત દર્દીઓ માટે ખુલ્લો મુક્યો

એક તરફ લીંબુના ભાવમાં અમુક લુંટ ચલાવી રહ્યા છે ત્યારે સ્તુત્ય પ્રયાસ

ધન્ય છે આ ખેડૂતને જેને લીંબુ ભરેલ બગીચો કોરોનાગ્રસ્ત દર્દીઓ માટે ખુલ્લો મુક્યો

Mysamachar.in-મોરબી

રાજ્યમાં કોરોનાની કારમી મહામારી વચ્ચે સૌને પોતાનો ફાયદો દેખાઈ છે, અને આડેધડ કોરોનામાં કામ આવતી ચીજવસ્તુઓના ભાવમાં લુંટ કરવામાં આવી રહી છે, તેમાં પણ વિટામીન સી પૂરું પાડતા ફળોના ભાવમાં ખુબ મોટો વધારો થયો છે, તેની સામે કેટલાક લોકો એવા પણ છે જે ફૂલ નહિ તો ફૂલની પાંખડી સમાન મદદ માટે પણ આવા કપરા સમયમાં આગળ આવ્યા છે, કપરાકાળમાં મોરબી જીલ્લાના એક ખેડૂતે માનવતાનું સચોટ ઉદાહરણ પૂરું પાડ્યું છે, મોરબીનાં ટંકારા તાલુકાનાં હડમતીયા ગામનાં ખેડૂતે પોતાની રીતે કોરોનાગ્રસ્ત દર્દીઓની અનોખી સેવા કરી રહ્યા છે. હડમતીયા ખેડૂત વિજયભાઇ સીતાપરા દ્વારા લીંબુના 40 છોડ વાવવામાં આવ્યા છે. રોજનાં 8થી 10 કિલો લીંબુ ઉતરે છે જે તમામ તે કોરોનાગ્રસ્ત દર્દીઓને મફતમાં વહેંચી દે છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, હાલ કોરોના કાળમાં લીંબુ, મોસંબી અને નારીયેળ પાણીનાં ભાવ આસમાનને આંબી રહ્યા છે. વેપારીઓ શક્ય તેટલો વધારે નફો રળી રહ્યા છે. તેવામાં આ ખેડૂત દ્વારા અનોખી સેવા કરવામાં આવી રહી છે. હાલમાં મોરબીમાં લીંબુના ભાવ 200 રૂપિયા પ્રતિ કિલો છે. ભાવથી નાના માણસો કે સામાન્ય પરિવારનાં લોકો ખરીદી ન શકે તેટલી કિંમત છે. ખેડૂત વિજયભાઇને અનોખી સેવાનો વિચાર આવ્યો છે. તેવા સમયે બગીચાના લીંબુ મફતમાં વિતરણ કરવાનું વિચાર્યું છે. હાલ રોજનાં 25થી 30 પરિવારના લોકો આ લીંબુ લઇ રહ્યા છે. આમ આ ખેડૂત દ્વારા થયેલ આ પ્રયાસની ચોમેર પ્રશંસા થઇ રહી છે.