લોકસભા ચૂંટણીઓ પહેલાં BJP નેતાઓને લોટરી લાગી શકે 

પટેલ-પાટિલ બોર્ડનિગમોમાં નિમણૂંકો અને સંગઠનોમાં ફેરફારો જાહેર કરી શકે 

લોકસભા ચૂંટણીઓ પહેલાં BJP નેતાઓને લોટરી લાગી શકે 
file image

Mysamachar.in-ગાંધીનગર:

આજનો કેન્દ્રીય ગૃહમંત્રીનો અમદાવાદ કાર્યક્રમ નિર્ધારીત હતો જ છતાં ગુજરાતના CM સહિતના ચાર 'ટોપ' મહાનુભાવોને કાલે શુક્રવારે અચાનક દિલ્હી બોલાવવામાં આવ્યા અને આ ટોપ ચોકડી ખાસ વિમાન મારફતે તાબડતોબ દિલ્હી દરબારમાં હાજર થઈ ગઈ. તેથી સમગ્ર ગુજરાતમાં નવેસરથી સંભવિત ફેરફારો અંગેનો ચર્ચાઓનો દૌર શરુ થયો. 

શુક્રવારે બપોર બાદ, પાટનગર દિલ્હીમાં, વડાપ્રધાનના નિવાસસ્થાને નરેન્દ્ર મોદી ઉપરાંત અમિત શાહની હાજરીમાં મુખ્યમંત્રી, પ્રદેશ BJP અધ્યક્ષ, ગુજરાતમાં રાષ્ટ્રીય નેતાગીરી વતી સંગઠન પર નજર રાખતાં રત્નાકર અને વડાપ્રધાનની ગુડબુકમાં રહેલાં- KK ના ટૂંકા નામે ઓળખાતાં- મુખ્યમંત્રીના મુખ્ય અગ્ર સચિવ કે. કૈલાશનાથન વચ્ચે, કલાકો સુધી ચર્ચાઓ ચાલી. જો કે આ ચર્ચાઓ અંગે સતાવાર બ્રિફિંગ બહાર નથી આવ્યું પરંતુ સૂત્રોના હવાલે કેટલીક ચર્ચાઓ રાજયમાં સાંભળવા મળી રહી છે. 

રાજયમાં બોર્ડ અને નિગમોમાં ઘણાં લાંબા સમયથી પક્ષના નેતાઓને સમાવવામાં આવ્યા નથી. સર્વત્ર લાંબા સમય અંતરાલથી અધિકારીરાજ ચાલે છે. જેને પરિણામે પક્ષમાં લાંબા સમયથી ગણગણાટ છે પણ ખૂલીને કોણ બોલી શકે  ?! રાહ જૂએ છે સૌ  !મહાનુભાવોની દિલ્હી મુલાકાત પછી વધુ એક વખત બોર્ડ નિગમોમાં સંભવિત નિમણૂંકોની વાતો ચર્ચાઓમાં આવી છે. કહેવાય છે કે, જો આમ થાય તો રાજયભરમાં 500 જેટલાં નેતાઓને ખુશ કરી શકાય. તેઓનો ચૂંટણીઓમાં લાભ મળી શકે. તેઓના સન્માન સમારંભો તેઓના ખર્ચે યોજી શકાય, સમગ્ર સંગઠનને વાઈબ્રન્ટ બનાવી શકાય, લોક સંપર્ક વધુ ઘાટો બનાવી શકાય, ચૂંટણીઓ લક્ષી પ્રચાર કરી શકાય- ટૂંકમાં ઘણાં ફાયદાઓ પક્ષના ખાતામાં જમા થઈ શકે.

આ ઉપરાંત એમ પણ કહેવાય છે કે, ગત્ જૂલાઈમાં પ્રદેશ અધ્યક્ષની ટર્મ પૂર્ણ થઈ છે અને પક્ષની કામગીરીઓ જોવાનું ચાલુ રાખવાનું અધ્યક્ષને કહેવામાં આવેલું છે જ પરંતુ હવે સતાવાર રીતે તેઓની બીજી ટર્મની ઘોષણા કરવામાં આવે. અને તેઓ લોકસભા ચૂંટણીઓ પહેલાં પોતાની ટીમમાં કોને કોને ઈચ્છે છે.? તે પણ તેઓને દિલ્હી ખાતે પૂછી લેવામાં આવ્યું છે. અને સંગઠનમાં કેટલાંક મહત્ત્વના ફેરફારો આવશ્યક છે તથા કેટલીક જગ્યાઓ પણ ખાલી છે. તેથી આજના ભારત પાક મેચ પછી પટેલ-પાટિલની ઈનિંગ શરુ થાય તેવી પણ શકયતાઓ વર્તુળો જોઈ રહ્યા છે.